પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

9
‘પીપા સીત રેન અપારા!’

મોટે દરિયેથી ખાડીમાંથી ચાલ્યાં આવતાં થોડાંએક વહાણ આમ તમ્મરિયાંના ઝુંડની અંદર વળી ગયાં?

"ભાઈ, ખાડીનો એ નાનકડો ફાંટો ઠેઠ ભેરાઈ બંદરે, જૂના રાજુલા બંદરે અને પીપાવાવ બંદરે આ વહાણોને લઈ જાય છે. જુઓ, નજર કરો, એ કળાય ભેરાઈના મીઠાના અગર! જૂનાગઢ તાબાનું જુનવાણી મીઠાનું મથક છે ભેરાઈ. ત્યાંથી વા‘ણ મીઠું ઉપાડશે."

ભેરાઈ : કાનને અને કંઠને જૂની પિછાનવાળો શબ્દ ભેરાઈ :

ડગલાં દી’ ને રાત,
          (મારે) ભરવાં પડે ભેરાઈનાં!

એ દુહાનાં પાછલાં બે ચરણ જીભ પર રમવા લાગ્યાં. આગલાં બેની યાદ સરી ગઈ હતી તે પણ ધીરે ધીરે પાછી આવી :

મેલ્યું વાંગર, મેલ્યું માઢિયું,
             મેલી મ‘વાની બજાર;
(હવે) ડગલાં દી ને રાત,
             (મારે) ભરવાં પડે ભેરાઈનાં!

એ તો રાણા-કુંવરની ગીતકથા [૧] માયલો દુહો : રબારી જુવાન રાણાનો જ એ ઉદ્‍ગાર. ભગ્ન હૃદયનો એ પ્રેમી વાંગર અને માઢિયા ગામની પોતાની જન્મભોમને તજી ગીરમાં ધુંવાસના ધડા નામે ડુંગરા ઉપર રહેતો, ને છેક ત્યાંથી હટાણું કરવા એને ભેરાઈના આંટા થતા - પરને પરણી ગયેલ કુંવરને કદાચ ભેરાઈની બજાર છેટે રહીને પણ નજરે જોઈ શકાય એ આશાએ! એ કથાનાં સ્થાનો વારંવાર મારા માર્ગમાં ભટક્યા કરે છે. જાણે કોઈ પૂર્વજન્મની કંદરાઓમાં પડી રહેલા સાદ એ દુહામાંથી ભણકાર ગુંજાવે છે : ’ડગલાં દી ને રાત, (મારે) ભરવાં પડે ભેરાઈનાં!’ હતાશા, થાક અને ચિરવિરહની શાંતિ બોલે છે એ એક પંક્તિમાં.

અને ’પીપાવાવ’ શબ્દનો અવાજ પણ ક્યાં ઓછો પરિચિત છે? પ્રેમીજનોની દુનિયામાં ભટકતા પ્રેત સામે ભક્તની સૃષ્ટિનું કમાડ ખુલ્લું થાય છે. કબીરજીના

  1. આ ગીતકથા ‘સોરઠી ગીતકથાઓ’માં આપી છે.