પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"ભાઈ," નવસારીવાળા વહાણમાં અમે ઊભા હતા ત્યારે એક સાથીએ સાદ કર્યો : "આવો તો, કંઈક બતાવું." એમ કહીને એણે એક ખારવાનું બદન ઊંચું કરી એના પેટનો ભાગ ખુલ્લો મૂક્યો : "આ જોયા ડાઘ?"

ખલાસીના પેટ ઉપર પચીસેક ડામનાં ચિહ્નો હતાં.

"આ લોકોને પેટમાં દુઃખાવો ઊપડે." સાથીએ સમજ પાડી, "ત્યારે એનું ઓસડ આ રીતે કરે. તુરત લોઢું ધગાવીને ડામ ચાંપી દ્યે. દરેકને માટે એ એક જ ઓસડ."

ત્યાં તો વહાણના પાંચ-છ નાવિકો પોતાની મેળે જ પેટ ખુલ્લા કરીને ઊભા રહ્યા. દરેકને દસ-પંદર ચગદાં ડામનાં હતાં.

"હવે તમે જુઓ." સાથીએ દેખાડ્યું. "આ લોકો આ કિનારેથી આપણા રાજુલાના પથ્થરો ઉઠાવી ઉઠાવીને વહાણમાં ભરશે. અક્કેક શિલા દસ-દસ મણની હશે તોપણ ખંભે ઉપાડીને આ સાંકડા પાટિયા ઉપર થઈને દોડાદોડ વહેશે. સામે બંદરે જઈને પાછા એ જ પ્રમાણે માલ કિનારે ઉતારી દેશે. ત્યારે એને આ વહાણનો માલિક જે આપશે તે પેટપૂરતું પણ નહિ હોય. વહાણવાળો વેપારી પોતાની પેઢીની ગાદી ઉપર પડ્યો પડ્યો શાંતિથી આ લોકોનું રળેલું પચાવી જશે."

મેં કહ્યું: "દરેક ઠેકાણે અત્યારે તો મોટું માછલું પોતાનાથી નાના માછલાને ખાઈ ખઈને જીવે છે, એવો આપણો દેશકાળ છે."