પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગોરજ વેળાએ હીંહોરા દેતું, ઘેર ખીલે બાંધ્યાં વાછરુંને માથે જાણે ઘેનુઓનું ધણ ધસ્યું આવે છે.

એના ચહેરા ઉપર શું શું લખાયેલું હતું? વિલાસની રેખાઓ હતી? ના, ના, એ તો હતી વેદનાની, રોટલાના ઉચાટની, ધણીઓના ચિરવિજોગની કપાળ-કથાઓ.

આખે માર્ગે એ ધણેધણ માનવ-ગાવડીઓ ધૂળનાં ડમ્મર ચડાવતી ચાલી આવતી હતી.

વેપારીઓની ઊન ફોલતાં વૃંદેવૃંદ દીઠાં એનાં. આઠ વરસની કુમારિકાઓથી લઈ સાઠ વરસની ડોસીઓ : માથાનાં પિંખાયેલાં જીંથરકાંમાં ઊનની કીટી અટવાયેલી : કામ કરતાં કરતાં ભૂખ્યું પીંજર લૂખા રોટાલાંનાં બટકાં ચાવે : ઝોળીમાં સુવાડેલ છોકરાં ઉપર ઓઢાડવા હોય છે ઊનના લચકા!

આ બગડેલીઓ - ને આપણે ઘેર સતીત્વના ઈજારા!

અમે દીઠા એના ઘેરા ને ધેરા બંદર પર કામ કરતા : વહાણોમાંથી માંગલોરી નળિયાં, મલબારી લાકડાં ને ગૂણીઓના કોથળા વહે છે. ગાણાં ગાય ને થાક વીસરે છે. ગાળો ખાય ને હસી નાખે છે. ગૂઢાં વસ્ત્રો, ગંભીર ચહેરા, પગની પિંડીઓ ઉપર વહાણ-આકારનાં છૂંદણાં. એકાએક સાંભળે કે વહાણે ચડેલ ધણી, દીકરો અથવા ભાઈ અમુક દરિયે ડૂબી મૂઆ. "પછી બાઈ, તમને વહાણના માલેકો કંઈ જિવાઈ-બિવાઈ આપે ખરા?" "અરેરે ભાઈ, છોકરાના હાથમાં એક પાયલીયે નહિ. ને પછી અમે એને આંગણે જઈને અમારું કાળું મોઢું શું બતાવીએ?"

આ ભ્રષ્ટાઓ - ને આપણે ગાદીખુરશીના બેસતલ ચારમણિયા ચરબીવંતો પવિત્ર!

હવસની પૂતળીઓ ન્હોય આવી. વિલાસના મંદિરો ત્યાં ઊભાં હશે - ધનવંતોએ બંધાવેલાં. એ દ્રવ્યમંદિરોની દેવદાસીઓ કોણે બનાવી આ ખારવણોને? કોણે એનાં કલેવરો વેચાતાં લીધાં? કોણ ફસાવનાર? ને કોણ ફસાયેલ? જવાબ પૂછવાથી જડાશે નહિ. પોતાની કાળપ ઢાંકવા પરાયાને કાળું કહેનાર આપણે ઉજળિયાતો!

પેટના ખાડા પૂરાવા સારુ પોતાનાં ખોળિયાં વેચનારાંને આપણાં નીતિ – અનીતિનાં ત્રાજવાં નહીં તોળી શકે.

એનાં જીવતરમાં તો ચીરા પડ્યાં છે : જીવનની શૂન્યતાને પૂરવા કદાચ એ પરાયાં ક્લેવરો સેવતી હશે, પણ એ એનું સાચું જીવન નથી. એના જીવના- પડછાયા તો સાચા ને સુરેખ અંકાયા છે એનાં લોકગીતોમાં. જેવું છે તેવું, વણછુપાવ્યું જિગર એણે ગીતોમાં વહાવ્યું છે –

જોબનિયાં મારાં મલબારી પંથમાં હાલ્યાં,
       જોબનિયાં કાલ્ય આવતાં રે’શે!