પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જોબનિયાં તમે દારૂ પીને ગાંડાં થિયાં,
               જોબનિયાં કાલ્ય આવતાં રે’શે!

ઊનને કારખાને ઉના ફોલતી બાઈઓને વીનવી કે, તમારા નાવિક-જીવનનો પડઘો ઝીલતાં કોઈ લાક્ષણિક ગીતો ગાશો?

“અરે ગાશે, જરૂરા ગાશે, ભાઈ!” ગામલોકોએ કહ્યું. “એલી એય બાયું, આંહીં ભેળાં થઈને ભાઈને ગીત સંભળાવો. ચાલો, ઝટ કરો.“

મેં કહ્યું : “ના, દબાણ કરીને નથી ગવરાવવું. એને કશો સંકોચ ન હોય, ને જો લહેરથી ગાય તો જ સાંભળીએ.”

“એને સંકોચ હોય જ નહિ. એને તો ઊલટી મોજ આવે. હાં, ચાલો બાઈઓ ગાવા માંડો!”

-ને પછી નાનીમોટી પંદર-વીસે ઉપાડયું એ વહાણવટીને વિદાય દેતી વેળાનું ગીત :

જોબનિયાં મારાં મલબારી પંથમાં હાલ્યાં,
                   જોબનિયાં કાલ્ય આવતાં રે’શે!
જોબનિયાં તમે દારૂ પીને ગાંડાં થૈયાં. – જોબનિયાં૦
જોબનિયાં તમે લીલે ગલાસે લાણું કરિયું. – જોબનિયાં૦
જોબનિયાં તમે ગુલાબી દારૂ લાવો. – જોબનિયાં૦

“બાઈઓ, તમારાં ગીતમાં દારૂ કેમ આટલો ઉગ્ર પદે દેખાય છે?”

“જુઓ ભાઈ, અમારા જણ જ્યારે વા’ણે ચડવાના હોય ત્યારે ઘરના વિજોગની પીડા વિસરવા સારુ અમે એને ખૂબ દારૂ પાયીં. પછી એને અમે બધાં બંદરે મૂકવા જાયીં, તયેં પણ રસ્તામાં ગાતાં ગાતાં એને સીસામાંથી પાતાં પાતાં એના દિલને હુલ્લાસમાં રાખીઈં, પછી કેફમાં ને કેફમાં ઈ ઝટ ઝટ વા’ણને હંકારી મેલે, લે’રમાં ને લે’રમાં ખાડી વટાવી જાય, અને મોટે દરિયે પોગે એટલે પછી એને બહુ ન સાંભરે. આ સાટુ અમે એને દારૂડે ગાંડાં કરીએં, ભાઈ! શું કરીએ? તમારી કને દારૂનાં ગાણાં ગાતાં લાજીએ અમે.”

“લાજવાની જરૂર નથી. મારે તો એ જ સાંભળવું છે, માટે ગાઓ છૂટથી.” ( મનમાં થયું કે સાચા જીવન પર ફૂલ-ચાદર ઓઢાડનારાં ગીત તો અમે ઘણાંય રચીએ છીએ!)

જોબનિયાં મારાં નાકુંની નથડી મેલી,
         જોબનિયાં કાલ્ય આવતાં રેંશે.
જોબનિયું મારું વેકરિયાની ખાડીમાં હાલ્યું, – જોબનિયાં૦
જોબનિયાં મારાં, પીછેલી સટા છોડ્યા. – જોબનિયાં૦

[એટલે કે શઢના દોર પાછળથી છોડ્યા ને શઢ ખુલ્લા મૂક્યા]