પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જોબનિયાંને મુંબીનાં પંથ લાગ્યા દોયલા. – જોબનિયાં૦
જોબનિયાંને મારાં મુંબીની ગોદિયુંમાં માં’લે – જોબનિયાં૦
જોબનિયું મારું જથ્થેલું પીઠે હાલ્યું – જોબનિયાં૦
જોબનિયું મારું નાનેથી ગાંડું થૈયું – જોબનિયાં૦
જોબનિયાં મારાં, જેવો તેવો દેશી દારૂ સારો – જોબનિયાં૦
જોબનિયાં મારાં, ઘાસલેટનો દારૂ નથી સારો. – જોબનિયાં૦
જોબનિયાંને પેટુંમાં અગની ઊઠે– જોબનિયાં૦
જોબનિયાં મારાં વાંસેલા ગોરસ પીશે,
     જોબનિયાં કાલ્ય આવંતાં રે’શે.

"આ તમે ઘાસલેટના દારૂનું શું કહ્યું? કંઈ સમજ ન પડી."

"આપણા રાજે દારૂની તો બંધી કરી છે ને એટલે હવે અમારા જણ ભડકિયું કરીને પીવે છે." 'ભડકિયું' એટલે શું? કે અસ્પિરિટ (સ્પિરિટ) આવે છે ને, એને પાણીનાં ઠામમાં રેડીને પછેં માથે એક દીવાસળી સળગાવે એટલે આકરો નશો બળી જાય, પછી સહુ ઈ પાણી પીવે. ઉપર ગોરસ પીને પેટની આગ ઓલવે. પણ ઈ પીવાથી પુરુષાતણ વયું જાય.

'ગુલાબી દારૂડાના લીલા ગલાસો ભરી ભરી લાણીઓ' કરનાર નાવિકોની જીવન-સમસ્યા તો આમ છે ત્યારે! વેદના ભૂલવાનું પીણું! પેટમાં સ્પિરિટના ભડકા ઠલવવાનું રહસ્ય તો આવું નીકળી પડ્યું. જીવતરમાં કોઈ બીજો સંસ્કાર નથી, રસ નથી, ભણતર નથી; ને સામે ઊભેલ છે સદા મોત - ભૂંડા હાલનું મોત, એનો સામનો કરવા સારુ આ દયામણી શરાબી! એને સારુ બાયડીએ બાપડીએ -

જોબનિયાં મારાં! નાકુંની નથડી મેલી,
     જોબનિયાં કાલ્ય આવતાં રે'શે.

પોતાના ધણીને સુરા પાવા માટે અંગ પરનાં આછાં આભરણ વટાવ્યાં. ગાઈ ગાઈને મનડું મનાવે કે 'જોબનિયાં મારાં કાલ્ય આવતાં રે'શે!'

સુધારકો ! તમારી સામે આ સમસ્યા ઉકેલ માગે છે.

*

'મકાન બંધાતું હતું. એક જુવાનડી, બે આધેડ ને પાંચ બુઢ્ઢીઓ ચૂનો ખાંડતી ખાંડતી ગાવા લાગી. પૂછે છે કે હરિનાં કીર્તનો ગાઈએ? કહ્યું કે ના, એ તો ઘણાં ગવાય છે અમારાં મંદિરોમાં; એની તો હવે હદ થઈ છે. ત્યારે પછી આવાં ગીતો ઉપાડ્યાં :

આંબેથી કેરિયું મગાવિયું,
         રે કાઢ્યો રંગાડામાં રસ રે

*

ભત્રીજે જાણ્યું કે કાકો તેડશે!
        રે દોડી મરડી નાખી ડોક રે!

*