પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વા'લા!
    તજને કારણિયે મેં તો માંડવા રચાવ્યા,
        ચોરી બાંધીને ફેરા ફરતો જાની!
            ઘેલા સમદરિયામાં - આખરની રે૦
વા'લા!
    હથેળીમાં જીવડો લઈને જા મા!
        ઘેલા સમદરિયામાં - આખરની રે૦

"બસ ડોશીમાં આ જ જાતના ગીતો હું માગું છું."

"તયેં ઠીક, ભાઈ, ગાસું."

કશી બનાવટી વીરતા વગરની, સાચી ઊર્મિઓ ઊઠી છે આ ગીતમાં : હથેળીમાં જીવ લઈને જા મા : ત્રણ રૂપિયાની કમાણી સારુ જીવડો ખોઈ નાખવા તું જા મા! ને જો જવું જ હોય તો મારી જોડે પરણીને પછી જા. અરેરે, તારો ઘરની સ્ત્રી સાથેનો સ્નેહ ઓછો થઈ ગયો છે. અને એ વહાણના પ્રીત-ઘાયલ ટંડેલની માયા લાગી ત્યાં તો એ વહાણ હંકારી ગયો, ને ઘેલા સમદરની આખરી લહેરોએ મામલા મચાવીને એની બેડલી (નૌકા) ડુબાવી નાખી.

[3]

પાંચ વાણુંનો કાફલો, એલા! પાંચ વાણુંનો કાફલો;
    તેમાંલો એકલો હકરાણો, જવાનડા!
એકલો હકરાઈશ મા, એલા હકરાઈશ મા;
    કાચા હૈયાના ધણી! એકલો હકરાઈશ મા!
વાવડાનું જોર છે, એલા! વાવડાનું જોર છે;
    હેમત રાખીને સટા છોડજે, જવાનડા!
સટે વાવડ મેલજે, એલા, સટે વાવડ મેલજે;
    બારે આવીને નગારું કરજે, જવાનડા!
ધામસનું જોર છે, એલા, ધામસનું જોર છે;
    હેમત રાખીને ધામસ કાઢજે, જવાનડા!
નથી તારે માવડી એલા નથી તારે બેનડી;
    પડીશ તો ચાકરી કોણ કરશે, જવાનડા!
મંબી તું જાજે, એલા! મંબી તું જાજે;
    એલા આઘે બંદર તું જાશ મા, જવાનડા!
મલબારે જાશ મા, એલા, મલબારે જાશ મા!
    મલબારી પંથ તો લાગે દોયલા, જવાનડા!