પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લીલૂડી પીઠનાં, એલા, લીલૂડી પીઠનાં
    લીલાં લવિંગડાં તું લાવજે જવાનડા!
રૂપાળી ગોત્ય મા, એલા, રૂપાળી ગોત્ય મા;
    રૂપાળી બાવડાં બંધાવશે, જવાનડા!
છેટાંની ગોત્ય મા, એલા, છેટાંની ગોત્ય મા;
    છેટાંની છેતરી જાશે, જવાનડા!
પડખાની ગોત્ય મા, એલા, પડખાની ગોત્ય મા;
    પડખાની પતળી જાશે, જવાનડા!
કુંવારી ગોત્ય મા, એલા, કુંવારી ગોત્ય મા;
    કુંવારી છે નાણાંની લાલચુડી, જવાનડા!
ફળિયામાં ફર્ય મા, એલા, ફળિયામાં ફર્ય મા;
    હાલતો ચાલતો નજરે ચડ્ય મા, જવાનડા!
વાડયે તું હાલ્ય મા, એલા, વાડયે તું હાલ્ય મા,
    વાડયે હાલીને વાંકા બોલ્ય મા, જવાનડા!

[અર્થ : પાંચ વહાણનો કાફલો છે તેમાંથી હે, મારા પ્રીતમ, તું તારું વહાણા એકલું તારવીને હંકારજે.

હે કાચી છાતીવાળા જુવાન! તું એકલો કાં પડી જા?

પવન જોરથી ફૂંકે છે, માટે તું હિંમત રાખીને સરખા પ્રમાણમાં શઢ છોડજે, હે જુવાન!

તું શઢમાં પવન ભરાવા દેજે ને પછી બંદરમાં પહોંચ ત્યારે નગારું વગાડજે, એટલે અમને તારા આવ્યાની જાણ થાય.

તારા વહાણમાં પાણી (ધામસ) જોરથી ભરાવા લાગ્યું છે, એને તું હિંમતા રાખી ઉલેચવા માંડજે.

હે જુવાન, તારે મા કે બહેન નથી; તું માંદો પડીશ તો તારી ચાકરી કોણ કરશે?

હે જુવાન, તું મુંબઈથી વધુ દૂર જઈશ મા; મલબારના પંથ ઘણાં દોહ્યલાં છે.

તું લીલા-પીળાં લવિંગડાં મોતી લેતો આવજે.

તું લગ્ન કર તો બહુ રૂપાળી કન્યા ન ગોતજે, કેમ કે એ તને કોઈક દિવસ કેદમાં નખાવશે.

દૂરની કન્યા ન ગોતજે; એ તને છેતરીને ચાલી જશે.

બહુ નજીકની કન્યા પણ ન ગોતજે; એ વીફરી જશે.

કુંવારી ગોતીશ મા; એ નાણાંની લાલચુ હોય છે.]

*