પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કોઈ દૂરના પંથથી વહાણ હંકારીને ઘર તરફ ચાલ્યા આવતા જુવાનને સંબોધેલું આ ગીત દરિયાનાં વાવાઝોડાં, વહાણમાં ભરાઈ રહેલ પાણી ઈત્યાદિ સંકટોની કલ્પનાઓ આલેખે છે. એ કલ્પના કરનાર કોઈ નાવિક માશૂક છે.

ગાતાં ગાતાં ડોશીઓ સંકોકા પામતા હતાં. કહે કે, ભાઈ, અમે બુઢ્ઢી ઉમ્મરે આવાં શોખનાં ગીતો ગાતાં લાજીએ છીએ, મેં ખાતરી આપી કે, હું શોખનાં ગીતો તરીકે એમાંથી મજા લેવા નથી માગતો, મારે તો તમારા જીવન-સંસારની સાચી વેદનાઓ ને આકાંક્ષાઓ પકડવી છે.

ચોથું ગીત પણ એવું જ સાચું ચિત્ર આપે છે :

[4]

વા’ણે ચડયે રે, એલા, વા’ણે ચડયે,
            મારા મામાના માલિયા, વા’ણે ચડ્યે!
મારા મામાના માલિયા, વા’ણે ચડ્યે!
            મંબી જાજે રે, એલા, મંબી જાજે;
            મારા મામાના માલિયા, મંબી જાજે!
મોતી લાવજે રે. એલા, મોતી લાવજે;
            મારા મામાના માલિયા, મોતી લાવજે!
કેવાં લાવું રે, એલી, કેવાં લાવું;
            મારી ફીબાની દીકરી, કેવાં લાવું?
લીલાં લાવજે રે, એલા, પીળાં લાવજે;
            મારા મામાના માલિયા, રાતાં લાવજે!
ખાતર પાડ્યું રે, ઇણે, ખાતર પાડ્યું;
            મારા મામાના માલિયે, ખાતર પાડ્યું!
શું શું ચોર્યું રે, ઈણે શું શું ચોર્યું;
            મારા મામાના માલિયે, શું શું ચોર્યું?
હાર ચોર્યો રે, ઈણે ઝૂમણાં ચોર્યાં;
            મારા મામાના માલિયે હાર ચોર્યો.
બાંધી વારો રે, ઈને બાંધી વારો;
            મારા મામાના માલિયાને બાંધી વારો.
હેડ્યમાં પૂરો રે, ઈને, હેડ્યમાં પૂરો;
            મારા મામાના માલિયાને હેડ્યમાં પૂરો.
છોડી મેલો રે, ઈને છોડી મેલો,
            મારા બાળુડા જીવડાને છોડી મેલો.
માયા રાખો રે, થોડી દિયા રાખો;
            મારા નાનુડા જીવડાની માયા રાખો.
રમવા દેજો રે, ઈને ભમવા દેજો;
            મારા બાળુડા જીવડાને રમવા દેજો.