પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

માયા રાખો રે, થોડી દિયા રાખો;
          મારા નાનુડા જીવડાની માયા રાખો.
રમવા દેજો રે, ઈને ભમવા દેજો;
          મારા બાળુડા જીવડાને રમવા દેજો.

આ લોકો તો મામા-ફૂઈનાં વેરે-પરણે ખરાં ને, એટલે પરણેલી પોતાના પરણ્યા નાવિકને (અથવા કોઈ અપરિણીતા પોતાના વિવાહિત વરને) ‘મારા મામાના માલિયા!’ એવું ટીખળી સંબોધન કરતી કહે છે કે, વહાણે ચડીને તું મુંબઈ જા, ત્યાંથી મારે સારું મોતી લાવજે. મારે ભરતકામ કરવું છે.

નાવિક જુવાનડો સામું ટીખળ કરે છે : હે મારી ફઈબાની છોકરી, તારા સારુ કેવાં કેવાં મોતી લાવું?

લીલાં પીળાં ને રાતાં લાવજે.

કંગાળા ખારવો પોતાની પરણેતરને સારુ મોતી મેળવવા માટે ચોરી કરે છે. કોઈ ધનવાનનો હાર ચોરે છે : પકડાય છે.

પરણેલીને પ્રથમ તો મોજ આવે છે! એ ચોરને કેદમાં પૂરો!

પણ પોતાના પિયુને ખરેખર કેદ બનેલો દીઠા પછી સાચી ઊર્મી આવે છે : એને છોડી મેલો : એ હજુ બાળુડી ઉમ્મરનો છે : એના ઉપર દયામાયા રાખો, સા'બ! એને છૂટો રમવા-ભમવા દ્યો!

આ પછીનું ગીત ભેદક છે. તે ઉપરાંત સોરઠના ઉગમણા કિનારાનું એક ઐતિહાસિક તત્ત્વ પણ રજૂ કરે છે. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વહીવટ દરમ્યાન ગોરાઓની સાથે ફસાવાના કેટલાંક પ્રસંગો બંગાળના ગામડાંની સુંદર સ્ત્રીઓને પડ્યા હશે, તેનું ચિત્ર બંકિમચંદ્રે પોતાની વાર્તાઓમાં દોર્યું છે. સોરઠને કિનારે ફિરંગી કંપનીઓના થાણાંઓ પડ્યાં હતાં, તેના અવશેષો પૂર્વકાંઠાને અમુક ગામડે હજુ મોજૂદ છે. કળસાર ગામમાં ફિરંગીઓનું ધર્મદેવાલય ઊભું છે. સંત નિકોલાસ પરથી જેનું નામ પડ્યું હોવું જોઈએ તે 'નિકલ' નામનું બંદર પણ હજુ છે. આમ સાગરતીરની એ પટ્ટી પર ફિરંગી ગોરાઓના અમુક અપહરણ પ્રસંગો બન્યા હશે તેનું વાતાવરણ આ ગીતમાં છલાયું છે :

ગરીબ ખારવો ખેપે જાય છે. નિરાધાર ખારવણ પિતરાઈઓનું ને મોસાળિયાનું શરણ લે છે, પણ તેઓ એને દુઃખ આપે છે. પછી એક દિવસ એ બાઈ, બંદર પર તંબૂ તાણીને પડેલ'જાંગલા' અથવા ' ટોપીવાળા'ના પ્યારમાં ફસાઈ ગઈ.

[5]

તું તો મંબી હાલ્યો, તું તો મલબાર હાલ્યો;
નાણાંની રે ખોટ્યે, ખરચીની રે ખોટ્યે.

અધવચમાં મેલ્યાં, અધવચમાં મેલ્યાં,
કોઈ તડનાં નથી, ઘરબારનાં નથી!