પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તારી તે ડોકમાં છે કંઠી,
માયાળુ રે, તારી તે ડોકમાં છે કંઠી;
તારી કંઠી દેખીને વાત વંઠી રે, માયાળુ!

મરજે ને માંદો તું પડજે,
માયાળુ રે, મરજે ને માંદો તું પડજે;
તારા જીવતમાં જીવડા પડશે રે, માયાળુ!

અને એવું જ એક બીજું ગીત :

[9]

હજીયે ના‘વ્યો રે હેડીનો, હજીયે ના‘વ્યો;
છેલ માયલો છેલ છોગાળો હજીયે ના‘વ્યો.

સીમાડાની વાટ્યુ રે, હેડીના, સીમાડાની વાટ્યુ;
સીમાડે જોઈ જોઈને રે મારી ઓડ્યું દુઃખી.

માથડાં દુઃખે રે, હેડીનાનાં માથડાં દુઃખે;
આછે ને રૂમાલિયે રે વાલ્યમનાં માથડાં બાંધો.

એ ગીતમાં પણ ત્યજી જનાર પુરુષને માટે ઝંખના ગવાય છે. આ ગીતો મશ્કરીનાં નથી, ’ઈશક’નાં નથી. સ્ત્રીહૃદયના ભુક્કા થતાં જે અવાજ ઊઠે છે, તે અવાજ આ ગીતોનો છે. પરંતુ આપણી સૌષ્ઠવ અને સભ્યતાની લાગણી કંઈક એવી તીક્ષ્ણ બની છે કે આવાં તો શું, નીચે લખું છું તેવું ગોવાળ-ગોવાળણનું સંવનન-ગીત પણ આપણને સૂગાવે છે :

બકરાં તરસ્યાં જાય છે રે, સોમલ!
બકરાં તરસ્યાં જાય છે;
જાય છે રે મારા ઘેલીડા રે, રબારી!

ખોબલે પાણી પાય છે રે, સોમલ!
ખોબલે પાણી પાય છે;
પાય છે રે મારા ઘેલીડા રે, રબારી!

વેળુમાં વીરડા ગાળશું રે, સોમલ!
વેળુમાં વીરડા ગાળશું;
ગાળશું રે મારી સોમલડી રે હજારણ!