પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પહલીએ પાણી પીશું રે, સોમલ! પહલીએ પાણી પીશું; પીશું રે મારી સોમલડી રે હજારણ!

અરધાના લાડવા લેશું રે, સોમલ! અરધાના લાડવા લેશું; આરે બેસીને આપણ જમશું રે મારી સોમલડી રે હજારણ!

સોમલ નામની ગોવાળ-કન્યા કહે છે કે, હે ઘેલુડા રબારી! આ તારાં બકરાં તરસ્યાં જાય છે.

હે ઘેલા રબારી! તું બકરાંને ખોબે ખોબે કેટલુંક પાણી પાઈશ?

ગોવાળ જવાબ આપે છે : હે મારી વહાલી સોમલ! આપણે બેઉ મળીને નદીની વેકુરીમાં વીરડા (પાણીના ખાડા) ગાળશું.

પછી એમાંથી આપણે બન્ને અંજલિઓ ભરી ભરીને પાણી પીશું.

અરધા રૂપિયાના લાડુ લઈને આપણે નદીના આરા પર બેસી જમશું.

’દક્ષિણ હિન્દનાં લોકગીતો’ સંગ્રહનાર યુરોપી વિદ્વાન ચાર્લ્સ ગોવર એ સંબંધમાં લખે છે કે :

"મનોવિકારવાળા પ્રત્યેક જીવનની અંદર પ્રવેશતી જે બાબતો છે, તેને વિષે જરીક ઇશારો પણ ન કરવાની આપણા નર્યા શિષ્ટાચારે જ મના કરી છે... બાકી તો આપણા બીબે ઢળાતા શિષ્ટ સાહિત્યની સપાટી ઉપર જે કદી જ ન તરવરી શકે, ને છતાં જે ઊર્મિઓ પ્રજાની માન્યતાઓના ખુદ તત્ત્વ સમાન છે, તે આંતર્ગત ભાવોના ઉચ્ચારણને સદા તાજું જ રાખનારાં આ લોકગીતો છે." [૧]

ટેમ્સ નદીના ઉપરવાસના પ્રદેશમાંથી લોકગીતો વીણનારા અંગ્રેજ આલ્ફ્રેડ વિલિયમ્સને પણ એ ’અશિષ્ટ ને અસભ્ય’ પ્રકારનાં ગીતો મહત્વનાં લાગ્યાં. એણે લખ્યું છે :

"આ ગીતો સંઘરવા બદલ હું વાચકની માફી નથી માગતો. એ અસભ્ય હશે, પણ સદંતર દુષ્ટ નથી. એમાંનાં ઘણાંએક તો કટાક્ષગીતો છે. એ અનીતિને આલેખે છે તે કંઈ અનીતિને ઉત્તેજના કે સૂચિત કરવા અર્થે નહિ, પણ મર્મપ્રહારો કરવા માટે. આજે આપણે એને અસભ્ય કહીએ, પણ સરલ અને અણવંઠેલા ગ્રામ્યજનોને એ અસ્થાને નહોતાં લાગતાં. તેઓને એથી કશી હાનિ નહોતી દેખાતી. શરમ અને લજ્જાની તેઓની સમજ આપણા જેવી નહોતી. આપણી સરખામણીએ એ લોકો નિર્દોષ હતાં. આપણને લજ્જા અને સભ્યતાનું ભાન થયું, પણ તે કેટલા મોટા ભોગે! સાચી વાત એ છે કે શરમ આપણા


  1. A mere conventionality has tabooed all verbal reference to matters that enter into the life of every sentient being... They (folk songs) keep up to date, as it were, the expression of those inner feelings which never rise to the surface of a set literature, but in reality the very essence of popular belief.'