પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

12
વિદાય

ટપ, ટપ, ટપ, ટપ, થાળીમાં દાણા ચણતાં પક્ષીઓની માફક ટીપણીઓ દીવાલને ટીપી રહી છે : શોકાકુલ વાતાવરણ છે : માર્ગે નીકળતાં મહુવાવાસીઓ પ્રથમ આ તમાશાથી વિસ્મય પામીને પછી નિઃસ્તબ્ધ પગે થોભે છે : કતપરની ખારવણો માવા જેસા નામના બે જુવાન ખારવાઓની જળસમાધિ ગાય છે :


માવા, ગાયું ચરે ને વાછરું ટળવળે;
માવા, જાતાં ચરે લીલો ઝીંઝવો;
માવા, વળતાં ચરે નાગરવેલ્ય રે;
માવો ને જેસો નહિ મળે.

માવા, ચોરે કસુંબા ઘોળાવિયા;
માવા, ભાયબંધને પ્યાલા પાતા જાવ રે;
માવો ને જેસો નહિ મળે.

માવા, સૂડી સોપારી બેવડ વાંકડી;
માવા, કચેરીમાં કટકા દેતા જાવ રે;
માવો ને જેસો નહિ મળે.

માવા, પોટલિયામાં પાણી લેજો પોંચતાં;
માવા, ભાતાં લેજો ભરપૂર રે;
માવો ને જેસો નહિ મળે.

માવા, લેજો ખેલણ રૂડા ઘોડલા;
માવા, લેજો લોડણ ઘેલી સાંઢ્ય રે;
માવો ને જેસો નહિ મળે.

પછી માવો ને જેસો બન્ને નાવિકો ક્યાં ગયા? વહાણે ચડ્યા? ગાનારી બહેનો એ ભાગ નથી ગાતી, પણ મારી કને વહેલાંનું એક ગીત આવ્યું છે (તે પણ ખંડિત હતું) તે અને આ બન્નેની કડીઓ મેળવતાં આખી કથા સંકળાય છે :