પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

માવા, હોડ કરીને બા'ર નીસર્યા;
માવા, ચાલ્ય છે નકળંક ગામ રે;
માવો ને જેસો નહિ મળે.

બન્ને ભાઈબંધો દરિયામાં નકળંક મહાદેવનું થાનક છે, તેને મેળે જવા નીકળ્યા. હોડ બાંધી બેઉએ, કે આ વેળા તો ભાઈ, નકળંક મહાદેવનાં નારિયેળ ને સોપારી આપણે લઈ લેવાં છે :


માવા, નકળંક જઈને વિચાર કર્યો;
માવા, લેવું છે લીલું નારિયેળ રે;
માવો ને જેસો નહિ મળે.

નકળંક મહાદેવનો વાર્ષિક મેળો ભરાય છે. મહાદેવનું લિંગ સમુદ્રની અંદર છે. હોડ એવી રીતની રમાય છે કે ભરતીનાં પાણી જ્યારે મહાદેવના થાનક ઉપર ફરી વળ્યાં હોય છે તે વેળા ત્યાં જઈને મહાદેવની પાસે પડેલ શ્રીફળ-સોપારી જે હાથ કરી આવે તે સાચો મર્દ. આ મર્દાઈની સરતમાં માવો ને જેસો બેઉ ઊતર્યા :


માવા, વેળિયું કાઢીને બેનને આપિયું;
બેનને નયણે વછૂટ્યાં છે નીર રે;
માવો ને જેસો નહિ મળે.

માવા, વિચાર કરી બોકાનાં ભીડિયાં;
પડિયા રતનાગર સાગર મોજાર રે;
માવો ને જેસો નહિ મળે.

કદાચ ડૂબીય જવાય એ ધારણાથી પોતાના કાનનું ઘરેણું વેળિયું કાઢીને માવાએ ત્યાં ઊભેલી બહેનને આપ્યું. બેહેનની આંખમાં આંસુ આવ્યાં. માવો ને જેસો નકળંકને થાનકે પહોંચ્યા. સોપારી શ્રીફળ હાથ કર્યાં. ત્યાં તો -


માવા, પાણી સમદરનું વળી ગિયું;
માવા, લેવાણા લોઢુની માંય રે;
માવો ને જેસો નહિ મળે.

ઓટ આવી જવાથી સમુદ્રનાં જળ પાછાં વળી ગયાં તેના જોશમાં સપડાઈને એ સાહસિકો ઘસડાઈ ગયા :


વીરની બેન્યું તે વાટું જોઈ રહી,
ક્યારે આવે માડીજાયો વીર રે;
માવો ને જેસો નહિ મળે.

માવા, દીવિયું કરીને દરિયા જોઈ વળ્યા;
માવા, જોયા રતનાગર લોઢ રે;
માવો ને જેસો નહિ મળે.