પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

1
ચાંચની ખાડીમાં

આગગાડી દરિયાકાંઠે ઉપાડી જઈ શકે તેટલા ઓછામાં ઓછા - એટલે કે અઢાર કલાકના ગાળામાં મન સાથે મહાસાગરની કડી પરોવવા હું મથી રહ્યો હતો. પ્રભાતે જ્યારે ગાડીના પાટા અટકીને ઊભા રહી ગયા ત્યારે પોર્ટ આલ્બર્ટ વિક્ટરના જુનવાણી બની ગયેલ બંદર ઉપર હું ઊભો હતો. મારી સામે લાંબી એક દરિયાપટ્ટી ખાડીને રૂપે પડી હતી. સામે કાંઠે 'ચાંચ' નામનો એક ધરતીનો ફાંટો ડાબા હાથ તરફની ભૂમિમાંથી લીર છૂટી પડી ગઈ હોય તે રીતે બે ગાઉની લંબાઈમાં પડ્યો હતો. જાણે કે ચીભડું ફસકાઈ પડ્યું હોય, ને એક ચીર આખા ફળમાંથી અળગી બની હોય એવું એ દૃશ્ય છે. મોટા દરિયાનાં પાણી એક ગાઉ દૂરથી ઠલવાઈને આ લાંબી નળીમાં જ્યારે જુવાળ ચડાવે છે ત્યારે મહુવા, નવસારી, સૂરત અને મુંબઈ-મલબારનાં નાનાંમોટાં દેશી વહાણો અંદર ચાલ્યાં આવે છે. માતાના પેટ-શી સલામત ખાડી તે જહાજોને સમથળ નીરમાં સેરવતી સેરવતી, શ્રી મહાદેવ દેસાઈએ એક વાર લખેલું તેમ, હીરના દોરામાં મોતીડાં પરોવતી પરોવતી જાણે કે ધરતી-ખોળે ઉઠાવી આવે છે.

દરિયા અને પૃથ્વીનાં આલિંગનોને દર પૂનમે અને અમાસે પોતાના હૈયા પર ઊજવતી આ ખારાની જમીનમાં શું શું દફનાયું છે? એક તો ત્રીસ વર્ષો ઉપર આંહીં મરણ પામેલ ભાવનગર રાજ્યના અંગ્રેજ ઈજનેર સીમ્સ સાહેબનું ક્લેવર, ને બીજું એ બાહોશ ઈજનેરનું મહાન સ્વપ્ન. એ સ્વપ્ન હતું અહીં વિદેશી મોટી આગબોટો અડોઅડ ઊભીને માલ ચડાવે-ઉતારે તેવું તરતું બારું બાંધીને જબ્બર એક શહેર જમાવી દેવાનું. એ ખારાની જીવલેણ આબોહવામાં સીમ્સ એક બંગલી બાંધીને વર્ષો સુધી કોઈ તપસ્વી ધૂણીપરની પેઠે પડ્યો રહ્યો. બંદર બાંધ્યું, ખાડી સુધરાવી, રેલના પાટા પથરાવ્યા. આંતરાષ્ટ્રીય વ્યાપારના એક ધીકતા બંદરની કલ્પના બાંધીને બે ગાઉના વિસ્તારમાં નગરની રૂપરેખા દોરી. એક દિવસ એ ખાડીને કિનારે એણે મોટી આગબોટ નાંગરાવી. અંદરથી એક અંગ્રેજને પરબાર્યો કિનારાના પ્લેટફૉર્મ પર પગ મેલાવીને ઉતાર્યો ને એને હાથે બંદરનું ખાતમુરત કરાવ્યું.

એ અંગ્રેજ અતિથિનું નામ પ્રિન્સ આલ્બર્ટ વિક્ટર. ઇંગ્લંડના શહેનશાહ પંચમ જ્યૉર્જના એ કાકા થાય. તેના નામનું આ પોર્ટ આબ્લર્ટ વિક્ટર.

પણ સીમ્સ સાહેબનું અકાલ મૃત્યુ થાય છે તે સાથે જ એના ભવ્ય સ્વપ્ન