પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઊલટમાં બીજું બધું ભાન ગુમાવીને મેં તો નવી ઉઘરાણી કરવા માંડી. મને એ બહેનોએ જવાબ દીધો : "ભાઈ, અમે આ ગીતો મહા મુશ્કેલીથી ગાઈએ છીએ."

"કેમ!"

"અમુંથી ગાઈ શકાતાં નથી. આ અમે સાત જણીયું બેઠી છંઈ તેમાંથી કોઇનો બાપ, કોઈનો બેટો, કોઈનો ધણી અને કોઈના ઘરમાંથી એક સામટા છ-સાત જણ દરિયે ડૂબીને મૂઆ છે; એ બધાની વેદના અમને આ ગીતો ગાતાં ગાતાં તાજી થાય છે. અમારાં ગળાં રૂંધાઈ રહેલ છે, ભાઈ! આ તો તમે ગીતો માંડી લેવા આવેલ છો એટલે અમારે હૈડાં કઠણ કરી કરીને ગાવાં પડે છે, પણ અમે અંદરથી વલોવાઈ રહ્યાં છીએ."

આ શબ્દોએ મને શરમિંદો કરી મૂક્યો. શ્રી રામનારાયણ વિ. પાઠકનું એક વાક્ય મને સાંભરી આવ્યું. અમદાવાદમાં એક વાર મારા લોકગીતોના સંગ્રહકાર્ય સારુ એમણે પોતાના ચોગાનમાં ઠાકરડા કોમની બહેનોને નોતરી હતી. એ બહેનો પોતાના કોઈ ઉત્સવ કે તહેવારની સ્વયંસ્ફુરણાથી નહિ પણ એક-બે સાહિત્યિકોને સંભળાવવાની સભાન મહેનતથી ગીતો સંભારીને ગાતી હતી.

"કોઈ સ્ત્રીની કનેથી આમ ગીતો કઢાવવાં!" પાઠકભાઈએ કહ્યું : "ઇઝ ઇટ નૉટ સમથિંગ લાઇક ડ્રૉઇંગ હર નેકેડ?"

એ વાક્ય મારી છાતીએ ચોંટી ગયું છે : કલાકાર કુદરતી માનવ-સૌંદર્યને ચીતરવા માટે પોતાની સામે કોઈ જીવતી સ્ત્રીને નગ્નાવસ્થામાં ઊભી રાખે, એના જેવું જ શું હું નહોતો કરી રહ્યો? મારે જોઈતાં હતાં ગીતો : મારે આલેખવી હતી શબ્દ-છબી : તે સારુ. મારી કલાસિદ્ધિને સારુ, આ નાવિક-પત્નીઓનાં હૈયાંઓને હું ખુલ્લાં કરી રહ્યો હતો!

તેઓનાં એ આંસુમાં મારાં પણ બે આંસુ મિલાવીને મેં નવાં બે-ત્રણ ગીતો કઢાવવાનો હક રજૂ કર્યો : વિરહની વેદનાનું, પણ હળવું હળવું નૃત્યગીત ચાલ્યું :

કે દારૂડો ને પીધા હોય તો મનો માણારાજ !

કાલ્ય અતારે ઉતારા ને કરતાં માણારાજ !
આજ અતારે ઓટા ઓસરી સૂની મારી રાધાનાર !
ઓહો ગોરી ! મરઘાનેણી !
      દારૂડો ને પીધા હોય તો માનો માણારાજ !

કાલ્ય અતારે દાતણિયા ને કરતાં માણારાજ !
આજ અતારે કણેરી કાંબ સૂની મોરી રાધાનાર !
     ઓહો ગોરી ! મરઘાનેણી ! - દારૂડો૦