પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મકાન ચણાવનાર ઘરધણીએ ભલાઈ કરીને આ બહેનોને મારા ગીત-સંઘરા સારુ રાતપાળી રોકી લીધી હતી. પણ એનો અર્થ એ થયો કે તેઓ રાતભર પેટ્રોમેક્સને અજવાળે ગળાં ખેંચીને પછી વળતો આખો દહાડો ત્યાં ને ત્યાં મજૂરી કરે, ને સાંજરે કુલ ૩૬ કલાકે પાછી ઘર ભેળી થાય. 'ઈઝ ઈટ નૉટ લાઈક ડ્રૉઈંગ હર નેકેડ?' - એ શ્રી પાઠકનો ઉદ્‌ગાર મારા મનને આઘાત કરતો હતો. "ના, ના, ના." મારાથી ન રહેવાયું : "તમારાં બાળકોથી મારે તમને વિછોડી નથી રાખવાં."

"પણ ભાઈ," એ બહેનો બોલી ઊઠી : "અમમાંથી કોઈને નાનું ધાવણું છોકરું છે જ નહિ, ને અમે તો આમ ઘણી વાર રાતપાળી કામે રોકાઈએ છીએ. તમ ફકર કરો મા."

એક જણી દોડીને બીજા કારખાનાની બાઈઓ સાથે સાતેયને ઘેર સંદેશો મોકલી આવી. પોતાની ઝંખનાઓનો ઝીલનાર એક માનવી સામે બેઠો છે, અને આજ પહેલી જ વાર પોતાનાં અસ્પૃશ્ય ગીતો એક ભણેલા મુસાફરની ધોળી ધોળી નોટ-બુકમાં આસન પામી રહેલ છે, એ કૌતુક, એ માન, એ મહત્તા આ સાત બાઈઓના પ્રાણમાં કોઈ અપૂર્વતાની લાગણી રોપી રહી હતી - ને તેઓએ છેલ્લું ગાયું આખા દિવસની આહ ઉપર શાંતિના શીતળ લેપ કરતું એક ધીરગંભીર માતૃબોલ સરખું ભજન :


દોરંગાં સાથે નવ બેસનાં એ જી!
એ જી! પત્ય પોતાની જાય રે મન...લો!
- દોરંગાં૦

કૂડાં રે કપટી ને લોભી લાલચુ રે જી!
એ જી ! પારકે દુઃખે ન દુભાય રે મન...લો!
- દોરંગાં૦

ઘડીક રંગ ચડે ઘડીક ઊતરે એ જી!
એ જી! ઘડીક વેરાગી બની જાય રે મન...લો!
- દોરંગાં૦

ઘડીક ગરુ ને ઘડીક ચેલકા રે જી!
એ જી! ઘડીક પીર થૈ પૂંજાય રે મન...લો!
- દોરંગાં૦

મીણાંબાઈ ભજે રે ગિરધરલાલને જી!
એ જી! દેજો સાધુચરણે વાસ રે મન...લો!
- દોરંગા સાથે નવ બેસનાં રે જી!

કતપરની ખાડીના કાદવમાંથી આવાં સુવાસિત પુષ્પો જડવાની આશા રાખી નહોતી. 'મન...લો! દોરંગા સાથે નવ બેસનાં રે જી!' એ શબ્દો દોરંગાઈના તાજેતરના અનુભવી હૈયાફૂટાને કાને માતાના મૂક બોલ જેવા મીઠપભર્યા છંટાતા હતા.

પરંતુ રાત્રિના દસ બજ્યાની એ વિદાય-ઘડીમાં એક વેદનાનું ટીપું પડી ગયું. ગાનારી બાઈઓ પરસ્પર ઝીણી પૂછપરછ કરવા લાગી. એ વાતો પોતાનાં ઘેર રહેલાં બાળકો વિષેની હતી : "તેં બરાબર કહેવરાવ્યું છે ને મારી માને, કે છોકરાંને રાતમાં સરખું ઓઢાડે?"