પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મેં પૂછ્યું : "તમે તો કહેતી હતી ને, બાઈઓ, કે તમારે છોકરાં નથી!"

"પણ ભાઈ, આ તો મોટાં છોકરાં છે, ને એને સાચવનાર અમારી મા, સાસુ, સંધાય છે ઘેરે."

આ ખુલાસો મન પર પડેલા ઓછાયાને દૂર ન કરી શક્યો. વાળુ કરવા ગયા પછી મારાથી પાછા ન વળાયું. થાકેલું મન ધર્મશાળાની પથારી પર અંધારે પડ્યું પડ્યું ડાહ્યા મિત્રનો એ જ મુખોચ્ચાર સંભારતું હતું : 'ઈઝ ઈટ નૉટ લાઈક ડ્રૉઈંગ હર નેકેડ?' એ ગાનારીઓનાં હૃદય ત્યાં દોડી રહ્યાં છે - કતપર ગામના કૂબામાં, ઉઘાડાં ને અધભૂખ્યાં સૂતેલ બાળકોની પાસે; ને હું એનાં જીવનની રેખાઓ દોરવા માટે એનાં કલેજાં પરનાં વિસ્મૃતિ-ઢાંકણો ખેંચી ખેંચી નગ્ન વેદના-દેહ નિહાળતો હતો!

રાતના સાડા ત્રણ વાગ્યે જ્યારે સ્ટેશન પર જતો હતો ત્યારે નવી ચણાયેલ એ દુકાનોમાં પેટ્રોમેક્સ બળતી હતી : સાથીએ કહ્યું : "ભાઈ, ગાનારીઓ આંહીં સૂતી હશે - ફાટલ-તૂટલ ગૂણપાટમાં ટૂંટિયાં વાળીને."

અંતર્યામીએ ઉમેર્યું : ' - ને એ સાતેય કલેવરોનાં અંતઃકરણો દોડી રહ્યાં હશે અત્યારે કૂબાઓની અંદર : ઉઘાડાં છૈયાંને ઢાંકવા સારુ.'