પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લગેં બે ગાઉમાં તંબૂ ખેંછાવી રાખેલા. તંબૂની હેઠથી રેલવાઈના પાટા. પછેં તખતસંગ મા’રાજ આવ્યા. સીમ સાબે બે મોટી શલ્યા ઘડાવી રાખી’તી. એક તખતસંગ મા’રાજના નામની ને બીજી ગોરાના નામની. રાતે તખતસંગ મા’રાજના નામની શલ્યા અધ્ધર ટાંગી મેલી’તી. સવારે તો પાયો નાખવાનો હતો. ઈમાં સવારે એકદમ સાબ કે’ કે પાણો બદલી નાખો. મા’રાજ ના નામનો પાણો ઝટ ઝટ છોડી નાખ્યો, ને ગોરાના નામનો પાણો બાંધી વાર્યો. તાં તો મોટી આગબુટ ખાડીમાં ધુંવાડા કાઢતી હાલી આવે છે. માંઈથી ગોરો કનારે ઊતરે છે. તંબૂમાં જાય છે. થોડી વાર થઈ તાં તો તંબૂમાં તારિયું પડી, ને જાહેર થયું કે બંદર પાસ! પછેં ગોરાએ દોરીએ હાથ દીધો, એટલે ખરરર ખટ ગરેડીમાંલો પાણો ખાડામાં ઊતરી ગ્યો. આમ હકીકત બણી'તી સાબ."

મને સમજાવવામાં આવ્યું કે પ્રથમ પ્રિન્સ આલ્બર્ટ વિક્ટરનું પાયો રોપવા આવવાનું નક્કી નહોતું. એટલે એમને અભાવે મહારાજ તખ્તસિંહને હાથે પાયો રોપાવી શહેરને 'તખ્તનગર' નામ આપવાનો સંકેત હતો; ને જો પ્રિન્સ છેલ્લી ઘડીએ પણ આવી પહોંચે તો 'પોર્ટ આલ્બર્ટ વિક્ટર' નામ પાડવું ઠર્યું હતું.

આ પથ્થર પર અમરત્વ અંકાવવાની માનવસહજ લોલુપતા! લોકો તો બાપટા 'પોર્ટ આલ્બર્ટ વિક્ટર'નેય વીસર્યા, 'તખ્તનગર' નામ પણ લોકમુખને ન ફાવ્યું! ઓછામાં ઓછું થૂંક ઉરાડવા અને બને તેટલા ઓછા લોચા વાળવા ટેવાયેલી લોક-જીભ આજે ફક્ત 'પોટો' કે 'પોર્ટ' કહી પતાવે છે. એ જ જીભ પોરબંદરને 'પોર' કહે છે, બેટ શંખોદ્વારને ફક્ત 'બેટ' નામે ઓળખે છે.

પણ હું તો ઘૂઘા પગીની ઉંમ્મરનો અંદાજ કાઢી રહ્યો હતો "ઘૂઘા પગી! તમે મૂળથી જ નોકરી કરો છો કે દરિયાઈ ખેપો કરી છે?"

"તયેં નઈં? મંબી ને મલબાર ને કાલકોટ (કાલીકટ)ની કૈંક ખેપું કરી છે મીંએ. આમ બસરા લગી જાઈ આવ્યો છું."

આ રીતે અનેક ગણતરીઓ ગણતા ઘૂઘા પગીની અવસ્થાનો અંદાજ એંશી પર જાય છે. પણ ઘૂઘો હજુ ૪૦-૪૫ વર્ષનો. તરવરિયો અને અથાક જુવાન દીસે છે. એણ કહ્યું કે "ઇ સામો કળાય છે ને, ઈ કંદેલિયામાં તો સીમ સાબે કૈંક સંચા માંડેલા, દરિયાનાં આર-વીળ્ય (ભરતી-ઓટ), વાવડા, તોફાન, આભનાં લાખતર (નક્ષત્ર), વગેરે સંધીય બાબતુંના હિસાબ ન્યાં થાતા'તા. પછી તો સીમ સાબ મૂવા કેડે સંચા બધા ભાવનગર ભેરા કરી દીધા, ભાઈ!"

વિશાળ મહાસાગરથી ખાડી રાણીને અંતરપટ કરી રહેલ 'ચાંચ' નામની ભૂશિર પાઘડીપને દોઢ-બે ગાઉ લાંબી પડેલી છે. પક્ષીની લાંબી ચાંચના આકાર પરથી એનું નામ પડેલું છે. વિક્ટરની બાજુએ એનાં ખેતરવાડીઓ વાલોળની શિંગો અને રીંગણાંમૂળાનાં રસાળ મીઠાં શાકની સોડમો પાથરી રહેલ છે. ગામનાં ખોરડાં તો ગોઠવાયાં છે મોટા દરિયાની સન્મુખે. દિવસરાત પોતાની ધોળી કેશવાળી ખંખેરીને કિનારાના ઊંચા