પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નર નબળો નારી સબળ એ તે શું હશે ! વાર્તાએ વાર્તાએ નર નબળો ને નારી સબળ, પુરુષ ખરું ટાણું આવ્યે લથડી પડે અને સ્ત્રીના તેજપુંજ ઝળહળી ઊઠે. પુરુષ રૂઢિનો ગુલામ બની જાય અને સ્ત્રી એકલે હાથે એ તમામ બંધનો સામે બંડ ચલાવે. દુહાના રચનાર વાર્તાકારોએ કેટલું જોરાવર તત્ત્વ પકડી લીધું છે! મેહ–ઊજળીની કથા તો એક દારુણ ખુટામણની કથા છે. મુશળધાર વરસાદની એક મેઘલી રાત્રિએ, ભીંજાઈને મુડદું બની ગયેલાં એક માર્ગભૂલ્યા ઘોડેસવા૨ને, પહાડની પુત્રીએ પહાડવાસીઓની પરિત્રાણ રીતિ મુજબ પોતાના પંચના પલંગ કરી, ધડનો ઢોલિયો ઢાળી, ઉરને ઓશીકે પોઢાડી', રુધિરછલકતા પહાડી દેહની ગોદની હૂંફ આપી જિવાડ્યો અને અજાણી હતી તોયે એકવાર અભડાયેલો દેહ હવે અન્યને ન અપાય તેમ વિચારીને એ ભોળી કન્યા એ અસવારને જીવ અર્પણ કરી ચૂકી. ધીરે ધીરે ખબર પડી કે અસવાર તો ઘૂમલીનો રાજકુંવર મેહ જેઠવો છે! બાપે સમજાવી આપણે ચા૨ણઃ ને એ રજપૂતઃ ન્યાત જુદી ને ચારણ-ક્ષત્રીનો તો આદુની રૂઢિ અનુસાર ભાઈબહેનનો સંબંધ; વળી આપણે ગરીબ ગિરિવાસી, ને એ તો રાજા, એ તો રઝળાવી મૂકે. ઊજળી ! આ વિવાહ ન થાય. આ તો મોતનો મારગ : પણ દીકરીએ ન માન્યું. એક વાર કાયા અભડાણી તે સદાની અભડાણી ને ન્યાતજાત કોણે કરી છે? માનવીએ ચણેલી એ ભીંતો, એ વાડા ને એ સીમાડા; પ્રીતિ તો પૃથ્વી, આકાશ ને પાતાળ જેટલી વિશાળ; સીમાડે ને દીવાલે શેં સમાય ? ભલે તમે સર્વ તરછોડો. હું સહી લઈશ ! મેહ–ઊજળીની પ્રેમકથા પહાડની પુત્રી નગરના સંતાન સાથે ફસડાઈ પડી. વિશ્વાસને દરિયે વહાણ વહેતું મૂક્યું. જેઠવો રજપૂત રોજ જંગલમાં જાય, પહાડની ગોદમાં બંને વચ્ચેની પ્રીત પોષાય. રાજકુળનો ભોળો બાળ, પોતાના સંજોગ સમજ્યા વગર, પ્રેમાંધ બનીને પહાડ-કન્યાને કંઈ કંઈ વચનો આપી ચૂક્યો હશે. ગાંધર્વ-લગ્ને કદાચ પરણી પણ લીધું હશે અને મને પાછળથી એક દુહો જડ્યો છે, તે મુજબ કદાચ ઊજળીને પેટે ઓધાન તો નહીં રહી ગયું હોય ! હું હવે તને જલદી ખાંડું તેડવા મોકલીશ, જલદી રીતસરના વિવાહ કરી લઈશ, તું તૈયાર રહેજે’ એમ કહીને મેહજી રાજમાં ગયો. પહાડ-કન્યા સાથેના પોતાના સંબંધની જાણ કરી. રાજમાં ને નગરમાં ઉલ્કાપાત મચ્યો. રાજનીતિ અને દુનિયાઈ રૂઢિ 'ઘૂમલી નગરમાં જઈને કરગરેલી ઊજળીએ ખૂટી બેઠેલ મેહ જેઠવાને આમ પણ કહ્યું લાગે છે કે – ઈંડાં અંતરિયાળ, માળાં વિણ મૂકાય નૈ; પાંખું ૫૨વરતે, (અમે) ભમી વરતણું, ભાણના ! – ઉપરાંત, દેહ-સંબંધ તો હતો જ એની સાહેદી ઊજળીની આરજૂનો આ દુહો આપે છે નળિયું હતિયું નકોર, (તે દિ) બોલાવતો બરડાધણી ! (હવે) જાંગે ભાંગ્યા જોર, (તંયે) જાતાં કીધાં જેઠવા ! સોરઠી ગીતકથાઓ

399

લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ