પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

10 લોડણ – ખીમરો – જામનગર રાજ્યને તાબે રાવલ નામનું એક ગામ છે. રાવલ ગામથી થોડે છેટે સાની નામે નદી છે, અને એની નજીકમાં ‘લોડી તળાવ' નામે તળાવડી છે. ત્યાં બે ખાંભીઓ (પાળિયા) ઊભેલ છે. રાવલ ગામના આહીરો એ બંને ખાંભીઓને જાત્રા જવારે છે અને સિંદૂર ચડાવે છે. એ બે ખાંભીઓ ખીમરા અને લોડણની ખાંભીઓ તરીકે ઓળખાય છે. 494 જૂના કાળમાં – કેટલા જૂના તે ચોક્કસ નથી – આ રાવલ ગામે રાવલિયા આહીરોનું જૂથ રહેતું ને તેમના મુખીને ઘે૨ ખીમરો નામે જુવાન દીકરો હતો. દ્વારિકાની યાત્રાએ જતાં તીર્થયાત્રીઓનો માર્ગ બરાબર આ રાવલ ગામને પાદર થઈને નીકળતો. યાત્રાળુઓ એ ગામને મોટું જોઈ રાત પણ રોકાતાં. ઘણા ઘણા સંઘો ત્યાં થઈને આવતા-જતા. એક દિવસ ઠેઠ ખંભાતથી ઊતરેલો એક સંઘ દ્વારિકા જતાં રાવલને પાદર રોકાયો છે, સાની નદીને સામે કાંઠે સંઘના ડેરા-તંબુ ખેંચાયા છે. કોઈ કહે છે કે એ સંઘ વાણિયાઓનો હતો, બીજા બોલે છે કે આહીરોનો. રાવલ ગામના ગામેથી આહીરોએ એ આબરૂદાર અને આઘે આઘેથી આવેલા સંઘની સરભરા કરી. ગામની આહીરાણીઓએ સાંભળ્યું કે આ સંઘની સાથે સંઘપતિની એક લોડણ અથવા લોડી નામે પુત્રી છે. કન્યા જુવાન અવસ્થાની છતાં ભક્તિ અને વૈરાગ્યમાં તલ્લીન છે, ભારી રૂપવતી છતાં પુરુષજાત પ્રતિ અણગમો ધરાવે છે અને જીવનભર ન પરણવાનાં એણે વ્રત લીધાં છે. ભલભલા પુરુષો પણ એનું અંતઃકરણ પીગળાવી શક્યા નથી ! ભરપૂર જોબનમાં વૈરાગ્યે ગળી પડેલી આ ખંભાતણ કેવી હશે ? આહીર ગામેતીની વહુવારુઓને સંઘના પડાવમાં જઈ જોવાનું કૌતુક થયું. એવું જ મન થયું એ ભાભીઓના નાના દિયરને. દિયર ભોજાઈઓનો લાડકવાયો હતો. હઠીલો હતો. કહે કે સાથે આવું ને આવું ! પણ લોડી ખંભાતણ તો પુરુષને મળતી નથી, શી રીતે લઈ જવો ? દિયર હજુ 18-20 વર્ષની ઉંમરનો છે. કિશોરી મુખમુદ્રા છે. મૂછનો દોરો હજુ ફૂટ્યો નથી. ટીખળી ભાભીઓ કહે છે કે ‘અમારા પોશાક પહેરીને, નણંદ બનીને આવવું છે ?” ભોળા નિર્દોષ

લોકગીત સંચય

૪૯૪
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૯૪