પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દિયરે હા કહી. સ્ત્રીના વેશ સજ્યા. બહુ રૂડી રીતે એને સ્ત્રીવેશ શોભી ઊઠ્યો ! કોઈ કળી ન શકે. ઘેરો વળીને આહીરણો યાત્રાળુઓ પાસે ચાલી. નદીને સામે કાંઠે કન્યા લોડણ પોતાના અલાયદા તંબુમાં બેઠી બેઠી આ મળવા આવનારી આહીરણોના જૂથને નદી તટ ઊતરતું જોઈ રહી છે. જોતાં જોતાં એને કૌતુક થાય છે, કે બીજી બધી સ્ત્રીઓ તો લૂગડાં ઊંચે લઈને પાણી વચ્ચે ધીરા પગ દેતી ચાલે છે, ત્યારે એ બધાંમાંથી એક તરુણી પાણીમાં પગ પલાળતાને બદલે છલંગો મારી મારીને આખો પાણી-પટ કાં કૂદી રહી છે ? છલંગ પણ કેવી મર્દાઈભરી ! જોતાંની વારે જ લોડણનું વૈરાગ્યમય શ૨ી૨, પગથી છાતી સુધી, કોઈ નવીન ઊર્મિનો થડકાર પામી રહે છે ! આહીરણો તંબુમાં આવી. જૂના સોરઠી રિવાજ મુજબ મહેમાન કન્યા સર્વે બહેનોની સાથે ‘સાંઈ માંઈ’ કરીને – એટલે કે બાથ ભરી ભરી મળી. સહુને ભેટીને છેવટે નણંદવેશધારી દિયર ખીમરાની સાથે બથોબથ લીધી. પણ એ છેલ્લી ભેટાભેટનો સુખાનુભવ કંઈક જુદો જ થયો. વૈરાગ્યને સ્થાને શરી૨નાં રોમેરોમમાં વિકળતા જન્મી. પ્રીતિની લહર વાઈ રહી ! અગાઉ કદી નહીં એવા થનગનાટ એનાં અંગેઅંગમાં ઊપડવા લાગ્યા. આહીરાણીઓ બેઠી ત્યાં લગી આખોય વખત લોડણ તો એ નાનકડી નણંદ ઉપર જ હેતના ઓઘ ઢોળતી રહી. આહીરાણીઓનું જૂથ પાછું ગામ ભણી વળ્યું. નદીનો પટ ઊતરવા લાગ્યું. લોડણ એના ડેરામાંથી મીટ માંડીને જોઈ રહી છે, પણ આ વખતે તો પેલી ભોજાઈઓની નણંદ ફાળ ભરીને નદી કાં ટપતી નથી ? એનાં તોફાન ક્યાં ગળી ગયાં? સહુના ભેળી એ પણ પાણીમાં પગ બોળીને જ ચાલી જાય છે. અરે, એટલું જ નહીં, એના તો પગ પણ પૂરા ઠરતા નથી. શેવાળવાળી શિલા ઉપર એ બે પગ લથડિયાં લઈ રહેલા છે. લોડણે ભેદ પારખ્યો એ સ્ત્રી નહીં, નક્કી કોઈ પુરુષ. એણે મારાં વ્રત ખોટાં પાડવાં. મારું હૈયું એ પી ગયો. ભોજાઈઓએ ઝીણી નજરે જોયું કે આ તો હસવામાંથી ખસવું થઈ પડ્યું. દિયરની દશા તો અવળી થઈ. આજ લગી એને સંસારનો વા વાયો નહોતો, પણ હવે તો એને હૈયે કળજુગ પેસી ગયો. ખીમરો ઝૂરવા લાગ્યો. એનો જીવ સાની નદીની સામે ભેખડ ઉપર ભમવા મંડ્યો. એને – પuડોના અને સિંહદીપડાના એ સહવાસી આહીર જુવાનને – આજ પહેલી જ વાર ખબર પડી કે શરીરની એકેએક કણી ઓગળીને ઠલવાઈ જવા ઝંખે એવું બીજું એક માનવી જગત પર જીવે છે ને જવું છે. રાત પડી. સંસારી લાજમરજાદ ઉપર અંધાર-પડા ઊતર્યાં. ખીમરાથી ન રહેવાયું. સામે કાંઠે ચડ્યો. આખો પડાવ પોઢી ગયો છે. ડેરામાં ઊતરેલ એક જ માનવી – લોડણ – જાગે છે. કાળી રાતે બે ધોળાં, નિષ્પાપ ફૂલો પાંખડીએ પાંખડી ભીડીને મળે છે. ન્યાત–ભેદના, જાહેર-ખાનગીના, જુદેરી જાતિના, તમામ ભેદો એક જ અભેદમાં ઓસરી જાય છે. સોરઠી ગીતકથાઓ

495

૪૯૫
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૯૫