' મારૂ એસી પાતળી, ખોબો ધાન ન ખાય; ઉછાળી આભે ચડે, સંકેલી નખમાં સમાય ! [12] મારૂ એવી તો પાતળી છે, કે એક ખોબા જેટલું પણ અન્ન એને નથી જોઈતું. એનું અંગ એટલું હળવું છે કે ઉછાળીએ તો આકાશમાં ચડે; અને સંકેલીએ તો નખમાં સમાઈ જાય ! મારૂ એસી પાતળી, જેસી ખાંડારી ધાર; ચાલન્તાં પગ લડથડે, (તો) કટકા થાય દો-ચાર. [13] જેવી પાતળી તલવારની ધાર હોય છે, તેવી પાતળી મારૂ છે. જો ચાલતાં ચાલતાં એનો પગ લથડવાથી એ પડી જાય, તો એના શરીરના બે-ચાર ટુકડા થઈ જાય, એવી તો એ નાજુક છે.] [14] ચંદનરી, મારૂ ઘડી (તેનો) છોડો રહિયો પાસ; (તે) છોડારો ચાંદો ઘડ્યો, ચોડ્યો લઈ આકાશ. [સર્જનહારે પ્રથમ તો મારૂને ચંદનના લાકડામાંથી ઘડી કાઢી. એને ઘડ્યા પછી ચંદનનું જે છોડું (ટુકડો) બાકી રહ્યું, તેમાંથી સર્જનહારે ચંદ્રમા બનાવ્યો. બનાવીને આકાશે ચોડ્યો ! 4. મારૂને મળવા માટેની મુસાફરી આવી. ગુણિયલ મારૂ જે આટલાં વર્ષોથી મારી જ વાટ જોઈ જોઈ, પોતાનાં જોબન સળગાવતી બેઠી રહી છે – તેને મેં કેમ વિસારી ! ઢોલાનું અંતર દહવા લાગ્યું. એ અધીરો બન્યો. હવે તો આજે ને આજે, દીવે વાટ્યો ચડે તે પહેલાં જ મારૂને દેશ પહોંચ્યું રહ્યું. વચ્ચે વિશાળ રણ પડ્યું છે, તેને વળોટી જાઉં. મારે આંગણે અનેક પવનવેગી સાંઢિયા બાંધ્યા છે, તેનું આજ પારખું થશે. 508 ઢોલો ચિત્ત વિચારિયો, મારૂ દેશ અલગ; આપણ જાઈ જોઈએ, કરલા હુંદો' વગ. [15] [ઢોલાએ ચિત્તમાં વિચાર્યું કે મારૂનો મરુદેશ તો ઘણો દૂર છે, માટે હું જઈને મારા ઊંટની મદદ મેળવું.] બધા ઊંટો બાંધ્યા છે, તે સ્થાને જઈને ઢોલો પૂછે છે... કુણ ગળ બાંધું ઘૂઘરા, કુણ શિર સાજું સાજ, કિયો ઢોલારો ક્રેહેલિયો, (જે) મારૂ મેળે આજ? [16] [આજ હું કોને ગળે ઘૂઘરા બાંધું ? તમો સહુમાંથી હું કોને મસ્તકે રૂડા સાજ સજાવું ? કરલાફુંદો (હુંઘેનો) : ઊંટનો
લોકગીત સંચય