પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

(જંત૨) – એ બે તો ફૂટી ગયાં હતાં. પુરુષ જીવ્યો, પણ પામર જેવો પેટભરુ થઈ ને ભૂખે માગ્યાં ભાત ખાતો; તેજ હીણો ને તલખતો. ભૂખે ખાધાં ભાત, પેટ ભરી પામર જી; શેણી જેહવો સાથ, મેલીને વિજાણંદ વળ્યો. ‘લોકુંની લાજ – હા, લોકલાજની ઊની બામાં પ્રેમી ફૂલો બફાતાં હતાં ! ન્યાતજાતના ભેદોએ અનેક સાચી જોડલીઓને રૂંધી હતી. રાણો રહ્યો રબારી અને કુંવરી રહી આહીર, એટલા સારુ કુંવરનાં દેહ-દાન કોઈક નાતીલાને કીધા – પણ એ બનાવટી પરણેતર ક્યાંથી ટકે ? રાણક અને ખેંગારના પ્રેમલગ્ન તો બે લાડીલાં બાળકોનાં રુધિરે સિંચાયાં. રૂઢિના સગપણને દાવે રાણકનું કાંડું માગવા આવનારો ગુર્જરોનાથ હાથ મસળતો રહ્યો ને રાણક પ્રેમલગ્નના પ્રીતમની ચેહ પર ચડી. આ એક ચાવી લઈને તમે એક પછી એક વાર્તાનાં તાળાં ઉઘાડશો, તો સોરઠ ગીતકથાઓનો સાચો સંદેશ જડશે. બિહામણું સ્ત્રીત્વ એક જલદ અને જાજરમાન, બીજી કોમલ અને કરુણઃ એ બે રીતે આપણી સોરઠી ગીતકથાઓની સુંદરીઓનું સ્વરૂપ ઓળખાવી શકીએ. એનો અડીખમ પ્રાણ પોતાના પવિત્ર શીલ વિશેની, સગા ધણીએ સેવેલી આશંકાને પણ સાંખી શક્યો નથી. વેજી અને વીકી સ્વપ્નમાં પોતાના ધણીના શૂરા ભાઈબંધોના નામ લવી પડી. ધણીઓએ લીધા અવળા અર્થ – અમારી પરણેલી પરપુરુષને વખાણે કેમ ? સ્વપ્નમાં એનાં નામ કેમ ઝંખે ? કોમળ નારી વીકી તો બાપડી-ગરીબડી થઈને સમજાવે છે. વખાણ્યો તે તો કોઈ મેલી મનવાંછનાએ નહીં, પણ વીરપૂજાની ભાવના થકી. પેટમાં પાપ હોય તો ઓ સગા ! ખદબદતા તેલમાં અમારા હાથ બોળી સાચ લે. અમને ઘરમાંથી કાઢેડું કરીને ન કાઢી મૂક, પણ પુરુષ પલળે નહીં ઃ નહીં પલળ, એમ ને? સારું. જાઉં છું : પણ કમાએ કાઢેલી વીકી તો પોતાની પતિભક્તિને અખંડ રાખી, ઊંડાં દુઃખને અંતરમાં સંઘરી એવી ને એવી સૌમ્ય રહી રઝળી; જ્યારે ભોજા કામળિયાની વેજી તો ઊપડી પોતાના સ્વમાનના તેજમાં પતિને સળગાવવાનો નિશ્ચય કરીને. આહીરાણી બેડું ભરીને ચાલી નીકળી. જેનું નામ લવી હતી તે બહાદુર પીઠાત હાટીને જ ઘેર જઈ ઊભી રહીઃ હાટી, હેલ્થને હાથ દે! મને તારી કરી લે. પણ ભરમાતો નહીં હો ! એમ ન માનતો કે આપણે મીઠો સંસાર માંડીએ ને દીકરા જણીએ! ના, ના, હું તો બળતી સગડી બનીને તારા ઘરમાં આવી છું. અને બરાબર વિચારી લેજે હો ! મરણ મેવાડા ! પીઠિયા ! પાની ખૂંદતું; (એની) લાંપે લાંકળા ! (તારે) મરવું મોરીસક-ધણી. ઓ પીઠાત ! હું આવું છું, ને મારી જ પછવાડે, મારી પાનીઓ ખૂંદતું, તારું ને મારું મોત પણ ચાલ્યું આવે છેઃ મારો કામળિયો તારો કાળ બનીને પહોંચ્યો સમજ! ભોજો સોરઠી ગીતકથાઓ

403

લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ