પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જુદ્ધ મંડાતાં. જૂના દુહા ખૂટી જતાં એકબીજાને મર્મને વેણે બાંધી લે એવી સ્વરચિત સમસ્યાઓ દુહાઓમાં રચાવા લાગતી. એમ સામસામાં પક્ષો સમસ્યાઓ બાંધે ને છોડે, આખરે જે જીતે તે ગામનો પક્ષ પેલો મોતીભર્યો વાંસ પોતાને ગામ ઉપાડી જાય. વળતી સાલ પાછા એ ને એ નેજો લઈ મેળામાં હાજર રહેવું પડતું. એક વાર તો ભાવનગરથી દાનિયો ને દુનિયો નામના દુહાગીરોની જોડી આવી. એમને હાથે ચોકવાળા જણ હારીને ઘેરે ગયાં. ઘરાં ઘર ડીખખ ડોસી જીવે. દીકરા હારીને આવ્યા એ ડોસીથી ન ખમાયું. ‘આપણું ચોક લાજે ના?’ એમ કહેતી ડોસી ઊઠી. જરિત શરીર એટલે ડોળીમાં બેસીને શેત્રુંજે ડુંગર ચડી. મેળો હજુ ચાલતો હતો. ડોસીએ દાનિયા–દુનિયાને પડકાર્યો. પોતે દુહા ફેંકવા લાગી. આખરે મોતીનો વાંસ જીતીને ચોક ચાલી ગઈ. પહાડવાસીઓનાં કાવ્ય- યુદ્ધોની આવી તો કંઈક વાતો છે. પહાડનું બાળ હું પહાડનું બાળક છું. મારા વડવાઓનું વતન ભાયાણીનુ બગસરા, આજે તો ત્યારથી ગિરજંગલ કપાતું કપાતું ઘણું દૂર ગયું છે. છતાં, એક દિવસ ગરકાંઠાનું ગામડું લેખાતું; અને મારું જન્મસ્થાન છે કંકુવરણી પાંચાળ ભોમનું કલેજું ચોટીલા. ચામુંડી માતાના ચોટીલા ડુંગરની લગભગ તળેટીમાં એજન્સી પોલીસના એ વેળાના અઘોરવાસ લેખાતા થાણામાં મારો જન્મ થયેલો. – પાંચાળનું ધાવણ તો હું સવા જ મહિનો પી શક્યો. પિતાની બદલી થઈ ગઈ; ને તે પછી તો પાંચાળને મેં ત્રીસ વર્ષે દીઠી – ત્રીસ વર્ષે, સંધ્યાની ઝંખાશમાં. પરંતુ પાડના સંસ્કાર મારા થોડા થોડા તોયે સતત પોષાતા રહ્યા. તેનું કારણ એ હતું કે મારા પિતા કાઠિયાવાડ એજન્સી પોલીસના એક નાના દરજ્જાના અમલદાર એટલે થાણેથાણે એમની બદલીઓ થતી, ને લગભગ એ તમામ થાણાં – એ ચોક ને દાઠા, ચમારડી ને લાખાપાદર – કાં કોઈ ગિ૨માં, કાં કોઈ પહાડમાં, ભયંકર નદીનેરાંવાળી ડંકી ને વિકરાળ જગ્યાઓ ઉપર સ્થપાયેલાં. એ પહાડ-ભેદન્તી નદીઓના ઊંડા ધરા ને એ ડુંગરની એકાન્ત ખોપો મારાં બાળપણનાં સંગી હતાં. નદીને ભેખડ પરના અમારા નિવાસોની નાની બારીઓમાં થઈને હૂહૂ ! હૂ ! હૂ ! ભૂતનાદ કરતાં પવન-સુસવાટાએ મારી નીંદરું ઉડાવી દઈને પહાડોના સંદેશા સંભળાવ્યા છે. ફાગણી પૂનેમની હુતાશણીના ભડકા ફરતા વીંટળાઈને ગોવાળીડા જુવાનો – અરે, ઘરડાખખ ખેડુ દુહાગીરો પણ – સામસામા દુહા-સંગ્રામ માંડતા, તેનો હું બાલભોક્તા હતો. પહાડનો બાળજીવડો, પહાડનાં ટેટાટીંબરુ અને ગુંધ્ર વગેરે ગળચટા મેવાની માફક જ પહાડની પેદાશરૂપ આ દુહાસોરઠાવાળી કવિતાનો પણ રસિયો હતો. પાણીકળો ભેટ્યો તે પછી તો ઘણાં વર્ષોનો ગાળો પડ્યો. ભિન્ન ભિન્ન જાતનાં સાહિત્યના સંસ્કાર પડ્યા – અને ભીતરની ભોંયમાં જૂના રસનાં ઝરણાં વહ્યાં કરતાં હશે તેની જાણ પણ ક્યાં હતી ? એ પ્રવાહોને કળનાર પાણીકળો 1922માં ભેટ્યો.'

' હડાળા-દરબાર શ્રી વાજસૂર વાળા

સોરઠી ગીતકથાઓ