આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અપરોદ્વાહ
( હરિણી )
ઝરણ વહતું પ્રીતિ કેરૂં દ્વિધા કરી નાખવું, ઉર કુસુમને કાપીને બે દિશા મહિં ફેંકવું; નહિ નહિ બને એ મારાથી ભલે પ્રિય ! તું કહે, જગ પણ ભલે તારા જેવો મને ઉપદેશ દે !
સુતરહિત આ સૂનું મારૂં તને ગૃહ લાગતું, હૃદય અતિશે તેથી તારૂં દીસે દુઃખ પામતું; પણ ઉચિત તે દર્શાવેલો ઉપાય ન તે તણો, જન જગતના માને એને ઉપાય ભલે ખરો.
મુજ હૃદય તો વેચી દીધું સખે ! બહુ કાળથી, પ્રિયમય બની ચૂકેલું તે સ્વતંત્ર હવે નથી; નથી હૃદયમાં બીજા માટે જગે જરીએ રહી, ઇતર જનને કયાં બેસાડું કહે કરથી ગ્રહી ?
અનુમતિ ભલે એ સંબંધે પ્રિયા પણ આપતી, મુજ હિત થવા એ પોતાનું હશે સુખ છોડતી; પ્રકટ કરતી પ્રીતિભાવે અવશ્ય ઉદારતા, પ્રકટ કરવી તે શું મારે દગો દઈ દુષ્ટતા ?