આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દુહિતા
( શાર્દૂલવિક્રીડિત )
દીઠી દૂરથી એ પ્રિય સ્થલ તણી વિસ્તીર્ણ વૃક્ષાવલિ, ઉડે અંતર આકળું ઉમળકે, ના ધૈર્ય, ધારે ઘડી; વાલે વાહન શીધ્ર તો પણ દીસે ધીમી અતિશે ગતિ, ને વીતે પળ એક તે દિન સમી કષ્ટે કાઢતી હતી.
( દ્રુતવિલંબિત )
ઉતરી યાન થકી ગઈ દોડતી, નવલ કૈંક તરંગથી નાચતી; નયન ના પથને નિરખી શકે, હૃદય કે નવલા રસથી હસે.
સરણિમાં સ્વજનો મળતા હતા, કુશલ પ્રશ્ન કંઈ કરતા હતા; સહજ ઉત્તર સંભ્રમમાં દઈ, ધસતી વેગથી વિઘ્ન વટાવતી.
( અનુષ્ટુપ )
ઊડતી પક્ષિણી જેવી દોડીને દ્વારમાં ગઈ, જડેલી જીવ સાથે જયાં માતની મઢુલી હતી.