આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પુત્રીપ્રયાણ
( શિખરિણી )
શિશુક્રીડા કેરૂં પ્રિય સકળ સાહિત્ય વીસરી, વયસ્યાનું સંગે સતત વસતું મંડળ ત્યજી; થયેલાં પોતાનાં જન હૃદયભીનાં પરહરી પ્રસૂને પ્રીતિનાં ઝરણ ઝરતે અંક વરજી.
ગઈ અંતે ઉડી કઠિનતર યત્ને ઉર કરી, મીઠાબોલી મારા વિજન વનની કોયલ ગઈ ! સુભાગી શંપા શી હૃદય ઝબકાવી નહી ગઈ, ભરેલું હા ! ભાગ્યે તિમિરપડ પાછું દઈ ગઈ.
"પિતાજી ! જાઉં છું, પ્રતિદિન તમે પત્ર લખજો, "અને મારી ચિંતા, નહિ હૃદયમાં લેશ ધરજો." અહા ! છેલ્લા શબ્દો પ્રણયરસ વ્હેતા કહી ગઈ ! હણાતા હૈયાને દૃઢતર દિલાસો દઈ ગઈ.
વસેલું વાણીમાં અજબ કંઈ આશ્વાસન હતું, હતું ઉડું ઉડું પણ, હૃદય પ્રચ્છન્ન રડતું. મને જોતી દૃષ્ટિ સતત જલથી પ્લાવિત હતી, અને કાયાવેલી પળ વિપળ હા ! કંપિત હતી.