પૃષ્ઠ:Strotasvini.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૨૦ ) <poem>

વિપત્

( શિખરિણી )

હજારો હૈયાની કુલિશશત જેવી કઠિનતા, મળેલી દુઃસંગે મનુજ-મન કેરી મલિનતા: નિવારીને નિત્યે અતિ અમળ ને આદ્ર કરતી, વિપદ્ગંગે ! વંદુ તુજ ચરણમાં મસ્તક ધરી !

દીસે લાખે દેવી પ્રકટ પૃથિવીમાં થઈ ગઈ, કરી કૈં કૈં કાર્યો, વિમળ યશ મૂકી વહી ગઈ, વસે તું વર્ષોથી, અમિત યુગથી જાગતી સદા, પ્રભુની પ્રીતિનાં અમ હૃદયને પાત્ર કરવા,

અમારા આકાશે રસભરિત તું વાદળી વસે, ભલે રોકી રાખે દિનપતિ તણા દીપ્ત કરને; પરંતુ પર્યન્તે સલિલ સુખકારી વરસતી, હઠાવી પાપોને સતત ઉરને શાંત કરતી.

અને સંપત્તિ તો દુરિતમય અાંધી ઉલટતી, ચડીને ઓચિંતી અમ નયનને અંધ કરતી; પડી પૃથ્વી પૃષ્ઠે મલિન રજ, વેગે વિતરતી, અનેરા ઉત્પાતો થકી જગતને નિત્ય હસતી.