આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૫ )
સૌરાષ્ટ્ર
( વસંતતિલકા )
નિવૃત્તિમાં સમય સંતત ગાળવાને, ને શત્રુઓથી યદુવંશ બચાવવાને: સ્થાપી સ્વરાજ્ય, વ્રજમંડલ વિસ્મરીને. જ્યાં સ્વાન્તની કરી ચિરસ્થિતિ વાસુદેવે.
વીંટી રહ્યા જલધિ દુર્જય દુર્ગ જેવો, ગંભીર ગર્જન વડે ધૃતિશૌર્ય દેતો; રીઝાવતો ઉર તરંગ–પરંપરાથી; મુકતા પ્રવાલ ઉપહાર અનેક આપી.
જ્યોતિઃસ્વરૂપ સુરસેવિત સોમનાથે. કીધો નિવાસ રૂચિરત્વ નિહાળી નિત્યે; સંતુષ્ટ સત્યપ્રણયભાજન જયાં સુદામા. પામ્યે સુરેંદ્ર-સુખ માધવ-મિત્રતામાં.
સંરક્ષતું રહી સુદર્શન સજ્જ જેને, જ્યાં હેષતા હય પૃથાસુતના સુપંથે; જ્યાં સ્નેહલગ્ન થકી અર્જુન ને સુભદ્રા, પામ્યાં અભેદ કંઈ પુણ્ય પ્રસંગ લેતાં.