લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

( ૧૩ )

<poem>

ઉદયાસ્ત

(હરિણી.)

ઉદયગિરિનાં ઉચાં શૃંગો પરે પદ મૂકતો, મધુર હસતિ પ્રાચી કેરા ગ્રહી કર કૂદતો; લલિત કરથી સ્પર્શી સ્નેહે ઉષા-ઉર રંગતો, સ્થળ સકળથી સ્વલ્પાયાસે તમિસ્ર નિવારતો.

કંઈ મુકુલને મીઠી ગોષ્ટિ વદી વિક્સાવતો, કમલવનને ચાટૂક્તિથી રીઝાવી રમાડતો; જનહ્રદયના ઉચા અર્થો સહર્ષ સ્વીકારતો, જગતજનની ક્રીડા જોવા રવિ નભ રાજતો.

પ્રતિ ભવનમાં ભેદાભાવે પ્રતાપ પ્રસારતો, સદય દૃગથી જેતે રંગે રૂડે રમતો હતો; પણ પળ વિષે વૃત્તિમાં આ વિપર્યય શો થયો ? અમલ ઉરમાં કાં ઓચિંતો પ્રકોપ વધી ગયો ?

સહજ સધળી કીડા છોડી ઉઠ્યો સળગી અરે ! ભડ ભડ થતી જ્વાલા ફેંકી કહે પ્રિય ! શું કરે ? જરૂર જગનાં કાળાં કૃત્યો પડ્યાં નજરે તને, મલિન મનની જાણી લીધી ઘણી ઘટના ખરે !૩૨૩