આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
એક વાદળીને
(શિખરિણી.)
ઘણાં અભ્રો ઘાટાં ગગન પર આવી વહી ગયાં, ઘણાંએ ગાજીને જગ ખળભળાવી વહી ગયાં; અનેરી આશાઓ હ્રદય પ્રકટાવી વહી ગયાં, હજારો હૈયાને ચપળ ચમકાવી વહી ગયાં,
પરંતુ ના એકે જલકણ દયાથી દઈ ગયાં તપેલી સૃષ્ટિને લવ પણ ન શાંતિ દઈ ગયાં; સુભાગ્યે સંચેલું સલિલધન સંગે લઈ ગયાં, હતાં તોએ અંતે નભ મહિં નહોતાં થઈ ગયાં,
અને આશા ઉંચી જગ-હૃદયની નિષ્ફલ થઈ, અભાગી અાંખે એ રડતી મુખ જોતી રહી ગઈ; હસાવી, લોભાવી ગ્રહી અનિલ એને લઈ ગયો, અમારી વૃત્તિને દૃઢતર નિરાશા દઈ ગયો.
મયૂરોનું મીડું સફળ કંઈ સંગીત ન થયું, ન રીઝયું બિંદુથી હૃદય જરીએ ચાતક તણું, વૃથા ઉષ્મા વેડી જગત અકળાયું દિન કંઈ, સ્થિતિ તો પર્યંન્તે હૃદય તપવાની રહી ગઈ. ૩૩૦