આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૩૪ )
ક્ષારાબ્ધિને
( મન્દાક્રાન્તા )
શીળી છાયા દઈ હૃદયનો તાપ સંહારવાને, ને દૂરેથી પથિક જનનાં ચિત્ત આકર્ષવાને. તારે તીરે અયિ ! જલનિધે । વૃક્ષ એકે ન ભાસે, ક્યાંએ લીલું તૃણ નયનને ઠારતું, ના જણાયે.
ઉડી ઉડી કંઈક વિહગો આવતાં વ્યોમવાટે, કૈં આશાએ હરિણ ભરતાં ફાળ આવે ઉમંગે; દેખી તારૂં વિકટ ઉર એ દૂરથી દૂર નાસે, ને તોયાથીં જન પણ કદી કોઈ આવે ન પાસે.
સૃષ્ટિ કેરાં જન, વિહગ્ ને પ્રાણિમાત્રે ત્યજેલો, નિત્યે નીચા, વિજન જગના પ્રાંતભાગે પડેલો; આવે કયારે પથિક તુજને માત્ર ઉલ્લંઘવાને, ઉચે હૈયે અભિલષિત કો સ્થાન પ્રત્યે જવાને,
સેવે તારૂં શરણું પણ તું ના પળી પાય પાણી, કયારે એનાં જીવન હરતે ધર્મ સામાન્ય ભૂલી; એ વૃત્તિ, એ સ્થિતિ હૃદયને સર્વ રીતે રડાવે, તોએ તું તો વિકળ સરખે નિત્ય કૂધાં કરે છે !