આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૪૧ )
વનવલ્લરી
( દ્રુતવિલમ્બિત-અનુષ્ટુપ )
અવનવા અભિલાષ ઉરે ધરી, અવનવા રસ-ભાવ ઉરે ભરી; જગતનો નવલો રસ ઝીલવા, પ્રણયપંથ નવીન નિહાળવા.
ધરિત્રી માતાનો મીઠો અંક ઉત્સાહમાં ત્યજી; ખેલતી લાડતી આવે આ નવી વન-વલ્લરી.
નવલ નેત્ર વડે અવલોકતી, નવલ હાસ્ય થકી હસતી જતી; નવલ કોમળ સુંદર દેહથી, જગત-કાનનને ઝળકાવતી.
કોમળાં પત્ર–વસ્ત્રોથી કોમળું અંગ ઢાંકતી, સ્પર્શતી સ્વાન્તને લજજા, ને ઉડી ઘડીમાં જતી.
પ્રણયનું રસ–ભાજન શેાધતી, ઉર તણું અવલમ્બન શોધતી; દયિતના કરથી કર મેળવી, અમરપંથ જવા તલપી રહી. ૩૫૧