પૃષ્ઠ:Strotasvini.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૪૬ )
<poem>

કદલી

( શિખરિણી )

પતાકાની પેઠે પવન મહિં પત્રો ફરકતાં, પલાશી મિત્રોને વ્યજન વિનયે નિત્ય કરતાં; રસે ભીની રંભા ! ઉપવન તણું ભાગ્ય ભરતી, શકે શાંતિ માટે પ્રકટ વનદેવી વિલસતી.

સુધારસ્પર્ધી સ્કંધે લલિત ફળ દીપે લટકતાં, હવાને હિંદોલે અધિકતર અાંદોલિત થતાં, સુભાગી સંતાને નયન ભરીને તું નિરખતી, અનેરી આશાથી હૃદય મહિ હોંશે હરખતી.

પરંતુ એ તારાં પરિણત થતાં સુંદર ફળો, જવાની તું સ્વર્ગે ત્યજી જગતનો સાથ સઘળો ! રહ્યું ગાજી માથે મરણ તુજ જીવિત હરવા, ન જાણે વાત્સલ્યે ભરિતહ્રદયા એ ભય જરા.

અને જાણે તોએ નથી હૃદય શોકાતુર થતું, શકે શું ઉત્સાહે નિધન–પદવી કૈં નિરખતું ? ખરે ! સંતાનોનો વિરહ તુજને વ્યાકુલ કરે, જવા બેઠાં જાણી અનુમરણને તું ઉર ચહે.