લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૪૭ )
<poem>

અહો ! દેવી પ્રીતિ જરૂર જનનીની જગતમાં, હજારે સંબંધો પીગળી પડતા આ પ્રણયમાં; પિતા ભ્રાતા કેરો પુનિત વસુધામાં પ્રણય છે, પરંતુ માતાના પ્રણય તણું એ સામ્ય ન ભજે.

હજારે હૈયાની અનવરત આશીષ ઉછળે રમાડે રામાંચે, વદન નિરખી વિશ્વ વીસરે; પ્રસૂની પાસેથી જગ પ્રણયનું શિક્ષણ ગ્રહે, સગાં ને સ્નેહી સૌ અનુસરણ એનું અનુભવે.

પ્રજા પામે નિત્યે જનક-ઉરમાંથી કઠિનતા, અને માતા કેરૂં મૃદુ હ્રદય સેવી મૃદુલતા; અધીરા એ પ્રાણો સતત સુતની પાછળ ભમે, કરે શીળી છાયા, કઠિન ૫થના કંકર હરે.

ભવાબ્ધિનો ખારા સલિલ મહિં એ મિષ્ટ ઝરણું, વિબુધે વાંચ્છેલું શરણ સુખકારી શિશુ તણું; અહે ! એવી માતા મરણ-મુખમાં પુત્ર પડતાં, શકે જીવી કયાંથી અધમ સુખ માટે જગતનાં?

અને એ માતાના ઉદર થકી જે પુત્ર ઉપજે, રસેથી સિંચેલાં હૃદય નહિ એનાં કયમ રહે ? પરાર્થે એ પ્રાણે દઈ જગતને રંજિત કરે, અમૂલા આસ્વાદે અમરફળને કાં નવ હસે ? ૩૫૭