લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૫૨)
<poem>

અનવસર

( પૃથ્વી )

સુગન્ધ ઉર સિંચતી વન-વસંત વીતી ગઈ, રસાલ–રસ પોષતી ગઈ વિદાય વેળા વહી; નવીન પય પૂરતી, નવલ વિશ્વ ઉદ્ભાવતી, ભરી નવ કુતૂહલે પ્રકટ આજ વર્ષા થઈ.

અયિ ! મધુર કોકિલે ! વિરમ, મૌન રાખી મુખે, નવા જગત સન્મુખે ગહન ગાન એ ના ઘટે; નથી સમય સંપ્રતિ પુનિત પંચમેાચ્ચારનો, નથી સમય સર્વથા રસભર્યા કુહૂકારનો.

અરે ! નિકટ દૂર આ કટુ રટી રહ્યા દર્દુરો, અને અધમ ટિટ્ટિભો કંઈક જલ્પતા ઝિંગુરો; કરે બધિર કર્ણને પ્રખર–તાર–કોલાલલે, અપીર બની આકળા ઉર અશાંતિ ઉભી કરે.

વસી ગગન–ગહ્વરે ઘન ઘડી ઘડી ગર્જતો, અનેક સ્વર અંતરે સહજ સ્પર્શતાં પી જતો; નવીન ગિરિનિર્ઝરો ખળખળાટ કૈં કૈં કરે પ્રચંડ વન–કેસરી ભયદ શબ્દ વિશ્વે ભરે.