પૃષ્ઠ:Strotasvini.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૫૯ ) <poem>

કસ્તૂરીમૃગને

( શાર્દૂલવિક્રીડિત )

ઉંચા અંતરથી દશે દિશ ભણી કાં દૃષ્ટિને ફેરવે ? ભારી સંભ્રમમાં અધીર સરખો કાં વ્યર્થ કૂદ્યા કરે? રે ! કસ્તુરીકુરંગ ! વિહ્વળ બની શી ક્ષુદ્ર ચેષ્ટા કરે? પૃથ્વીને, વનવૃક્ષને, અનિલને કાં સુંઘતો સંચરે ?

દોડી દૂર જતો, ઘડી સ્થિર થતો, પાછો વળી આવતો, ઉંચો શ્વાસ લઈ સમાધિ સહસા કૈં શાંતિથી સેવતો; પાસે વિસ્મિત દેખતી પ્રણયિની ને બાળ વીંટી રહ્યાં, વ્યાપારાંતર છોડી એ સકળને સુંધ્યા કરે સર્વદા !

હા ! કો સૌરભ દિવ્ય આ વિપિનને દિવ્યત્વ આપી રહ્યું, તેનું મૂળ તપાસવા ઉર અરે ! ઉચું અધીરૂં થયું ! એ મેાંઘી સુરભિ સમગ્ર તરૂમાં ને પ્રાણિમાં તું જુએ, સાચું સૌરભસ્થાન તે પણ તને ના કયાંય જોતાં જડે.

ભોળા ! કયાંથી જડે ? સુગન્ધિ વનમાં અન્યત્ર એ તો નથી, તારા ભાગ્યભર્યા ઉદાર ઉરમાં એ વસ્તુ ભાસે ભરી; આ વૃક્ષો, પશુઓ બધાં તુજ થકી સેવી સુગન્ધિ રહ્યાં, દૈવી સૌરભલક્ષ્મીનો રસભર્યો સ્વામી ખરે તું સદા.