લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

( ૧૫ )

<poem>

સુદામા

( શાર્દૂલવિક્રીડિત )

ના કારીગર કોઈએ કર અડ્યો, ના યત્ન એકે થયો, ના સાહિત્ય, ન શોધવું કંઈ પડયું, ના કાળ કાંઈ ગયો; તોએ ક્યાં થકી રમ્ય હર્મ્ય તુજને સ્હેજે સુદામા ! મળ્યું ? ને એ વૈભવ ઇંદ્રનો તુજ ગૃહે રે ! કોણ આપી ગયું ?

કોટિ વર્ષ થકી, અસંખ્ય ધનથી કે ઉગ્ર અભ્યાસથી, જે પામી ન શકાય તે પળ વિષે પામી શક્યો તું અહીં; કયાંથી આ તુજ અર્ભકો સુરસુખે રાચી ઘડીમાં રહ્યા ? એ દારિદ્રય, વિલાપ એ સદનથી સંતાઈ છેટે ગયાં.

માગ્યું તે નવ કાંઈ માધવ કને, એણે ન આપ્યું કંઈ, મુષ્ટિ ધાન્ય ગુમાવીને પુર તણે પંથે પડ્યો તું ફરી; તોએ અંતરની અનેક દિનની હા ! પૂર્ણ ઈચ્છા થઈ, ને તારા પરિવારને સુખ તણી ના ન્યૂનતા કૈં રહી.

હા, સન્મિત્રમિલાપથી, પ્રણયના નિઃસીમ વિસ્તારથી, સંતોષામૃતપાનથી, અવનવા આનંદના ઓઘથી; તારૂં માનસ માનવી ભૂમિ ત્યજી સ્વર્લોકમાં સંચર્યું, લાવી વૈભવ ત્યાંથી વાસવ તણે સંતુષ્ટ શેાભી રહ્યું. ૩૭૫