પૃષ્ઠ:Strotasvini.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૬૮)
<poem>

સુરદાસ

( વસંતતિલકા )

શ્રષ્ટા તણી સકળ સત્કૃતિ દેખનારી, ને સ્વાન્તને પણ વિવેક બતાવનારી; ચંદ્રાર્કરૂપ તનુરત્ન અમૂલ્ય આંખો, પ્રાણી તણા જીવનની ઉપયુક્ત પાંખો.

તેનો અરે ! કવિશિરોમણિ સુરદાસ ! સૂચ્યગ્રથી ક્યમ કર્યો સહસા વિનાશ ? વૈયર્થ્ય શું નયનનું તુજને જણાયું ? ને અંધકાર મહિં શું કંઈ તત્ત્વ ભાસ્યું ?

હા ! દુષ્ટતા જગતની ન શક્યો નિહાળી, ભૂલ્યો સુપંથ, ભવ–ભેદ અનેક ભાળી; પૂરો પ્રકાશ રવિનો જગમાં જણાતો, તેાએ અનેકવિધ ઠોકર નિત્ય ખાતો.

વસ્તુ સુરમ્ય સમજી ગ્રહવા તણાતો, અંતે અરમ્ય નિરખી રડતો, ઠગાતો; જ્યાં ત્યાં પ્રપંચપરિવર્ધન નિત્ય ભાસે, જે દેખતાં હૃદય કેવળ ત્રાસ પામે.