( ૭૧ ) ઉર્વશીને ( શાર્દૂલવિક્રીડિત )
પ્રેમીની પરતંત્રતા જગતમાં ના કેાઈ જાણી શકે, ને એની વિષમ સ્થિતિ તણી દયા ના લેશ આણી શકે, એથી ઉર્વશી ! કષ્ટ કૈંક તુજને સ્વર્લોકમાં સાંપડયું, તારૂં નિર્મલ સ્નિગ્ધ માનસ નહિ કાપટય સેવી શકયું.
લક્ષ્મીને ધરી વેષ શકસદને તું નાટકે નાચતી, 'વૃત્તિ છે પુરુષોત્તમે' તુજ તણી એ યુક્ત ઉક્તિ હતી: રે ! રે સ્વાન્ત પરંતુ સત્યપ્રણયીનું સ્વાધીન કયાંથી રહે ? તેડી તન્મયતા વિરૂદ્ધ વદવું એ કેમ જાણી શકે ?
તેથી “ વૃત્તિ પુંરૂરવે મુજ તણું ” બોલાઈ એવું ગયું; રોમે રોમ રમી રહ્યું હૃદયથી તે આનને ઉદભવ્યું; દીધે શાપ સકોપ નાટયગુરૂએ દેવેન્દ્રના દેખતાં, ભૂલી તું નટની કળા અમરને એવું જણાયું અહા !
સ્વર્લોકે પણ આ દશા દુઃખભરી તે સૃષ્ટિનું શું ગજું ? જ્યાં એ નાટક સર્વદા ભજવવું આ ક્ષુદ્ર સંસારનું; વીંટાઈ વ્યવહારબંધન વડે નિત્યે વૃથા નાચવું, દાબી અંતરને ઠગી જગતને રે ! સર્વદા રાચવું.