લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
<poem>

( ૭૩ ) અન્વેષણ ( ગઝલ )

<poem>

વ્હાલા ! વિખૂટો વિશ્વમાં હું શી રીતે શોધું તને ? આ ગાઢ જંગલમાં અહો! દિલદાર ! કયાં દેખું તેને ? વ્હા૦

કાળા ભયાનક પર્વતો દૂરે દિશા ઘેરી રહ્યા, પર્ણે છવાયો પન્થ ના દેખાય, કયાં આવું કને ? વ્હા૦

લાખો તરૂના ઝુંડમાં કયાંએ દિવાકર ના દીસે, દૃષ્ટિ વૃથા તિમિરે જતી ત્યાં શી રીતે સાધું તને ? વ્હા૦

સિંહાદિના ખર શબ્દથી વન ને ગગન ગાજી રહ્યાં, સ્વર જાય મારે વ્યર્થ ત્યાં શી રીત સંબોધું તને ? વ્હા૦

સ્વચ્છંદ ફરતા શ્વાપદો જ્યાં જોઉં ત્યાં નજરે પડે, કંપી ઉઠે ઉર કારમું ભીતિ વિષે ભૂલું તને, વ્હા૦

દાવાગ્નિ આવે દોડતો સળગાવતો વન પાછળે, ચાલે નહિ એકે ચરણ, કયાંથી શરણ આવું તને ? વ્હા૦

ભૂંડા હજારે ભૂતનાં આક્રંદ વીંધે આભને, અસહાય ૨ડતો એકલો કયારે હવે ભેટું તને ? વ્હા૦