પૃષ્ઠ:Strotasvini.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

(૮૧)

<poem>

અતૃપ્તિ

(કવ્વાલી)

વધારે બે દિવસ વ્હાલા ! રહ્યો ના હું ગૃહે તારે, અતૃપ્તિ એ થકી ઉંડી રહી ગઈ અંતરે તારે.

ભલે સ્નેહી હૃદય માંહે અતૃપ્તિ રાત દિન રે'તી, અને એની વિમળ વૃત્તિ ભલે તૃપ્તિ નહિ લેતી.

ઉપેક્ષા તૃપ્તિની પુત્રી સદાયે સંગમાં રે'છે, રહે આવી તુરત ઉભી, હૃદય જો તૃપ્તિને સેવે.

અતૃપ્તિ એજ પ્રીતિની સજીવનતા બતાવે છે, અતૃપ્તિ એજ તન્મયતા હૃદય માંહે રચાવે છે.

અતૃપ્તિ પ્રીતિવલ્લીને સુધારસ સર્વદા સિંચે, અતૃપ્તિના ઉદર માંહે હજારો તૃપ્તિઓ હિંચે.

અતૃપ્તિ શુંખલા સાચી પ્રણય-સંબંધને માટે, અતૃપ્તિ દિવ્ય નિઃશ્રેણિ જવાને પ્રેમ-પ્રાસાદે.

અમલ અદ્વૈતની વ્હાલી જરૂર છે જન્મદાત્રી એ. પ્રણયને પોષતી સ્હેજે ધરી ઉર માંહિ ધાત્રી એ.

અતૃપ્તિ અંત જો પામે વૃથા તે જીંદગાની છે, અતૃપ્તિની સમાપ્તિમાં સકળ રસની સમાપ્તિ છે