પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૧
સત્યકામ જાબાલ.

છે, ને પૂછે છે 'આમાં શું દેખે છે?' એ દાણામાં આખો મહાવટ વૃક્ષ છે તેમ અદ્રશ્ય ભાવનામાં સર્વ નાનાત્વનો વિસ્તાર છે એવું ગ્રહણ ન થતાં શ્વેતકેતુ અધિક પૂછે છે કે પિતા લવણને જલમાં મૂકાવી તેના દૃષ્ટાન્તથી સમજાવે છે. છેવટ, કોઈ પુરુષને ગાંધારમાંથી આંખે પાટા બાંધી દૂર મૂકી જાય, ને ત્યાં તેને કેાઈ બુદ્ધિમાન્ પાટા કાઢી નાખી માર્ગ બતાવે જેથી પૂછતો પૂછતો તે સ્વદેશને પ્રાપ્ત કરે, એવો આ શબ્દગમ્ય આદેશ છે એમ કહે છે. સર્વથી અંતે મરવા પડેલા મનુષ્યનું દૃષ્ટાન્ત આપી કહે છે સગાં સંબંધી આવી 'ભાઈ મને ઓળખે છે?' એમ પૂછે છે, પણ જ્યાં સુધી વાણી મનમાં, મન પ્રાણમાં, પ્રાણ પર દેવતામાં, વિલીન થયાં નથી ત્યાં સુધી તે ઓળખે છે, પછી કાંઈ નથી. એમજ વાણી, મન, પ્રાણ, તેથી પણ પારની ભૂમિકા જે तत् તેમાં જ્યારે त्वं નો વિલય થાય છે, त्वं પોતાનું સ્થાન વાણી, મન, પ્રાણ આદિ ભૂમિકાઓમાં શોધતે શોધતે પર ભૂમિકામાં, तत् ની ભૂમિકામાં જાણે છે, ત્યારે એકરસ–ધન અભેદનો પરમ આનંદ ઉદય પામે છે. એ ભાવનાગમ્ય तत्નો અનુભવ શબ્દમાત્રે કરાવી, એકથી સર્વ જ્ઞાનનો માર્ગ સૂચવી, तत्वमसि એ મહામંત્રના બલથી, પિતાએ પુત્રને કૃતકૃત્ય અત્રે કૃતાર્થ કરી, સર્વ વિદ્યા સાર્થક કરી આપી.

( જુન–૧૮૯૭)


સત્યકામ જાબાલ.
(23)

છાંદોગ્યોપનિષદમાં કથા છે કે સત્યકામ જાબાલ પોતાની માતા જબાલને કહેવા લાગ્યો 'માતા! મારે બ્રહ્મચર્ય માટે ગુરૂ પાસે જવું છે, હું કીયા ગોત્રનો છું તે કહો.' માતાએ કહ્યું 'હું જાણતી નથી તું કીયા ગોત્રનો છે; બહુની પરિચર્યા કરનારી પરિચારિકા હું યુવાવસ્થામાં તને પામી છું, એટલે તું કીયા ગોત્રનો તે જાણતી નથી; મારું નામ જબાલા છે, તારૂં નામ સત્યકામ છે, માટે સત્યકામ જાબાલ એવું નામ કહેજે. પછી સત્યકામ હારિદ્રુમત ગૌતમ પાસે આવી વિનયભાવે વિનવવા લાગ્યો.

'બ્રહ્મચર્યને અર્થે આપને નિવાસે આવ્યો છું.'

'સોમ્ય! તારૂં ગોત્ર કીયું છે?' ગુરુએ પ્રશ્ન કર્યું.

'તે તો હું જાણતો નથી. મેં મારી માતાને પૂછી જોયું, તો તેણે કહ્યું કે બહુની પરિચર્યા કરનારી પરિચારિકા હું યુવાવસ્થામાં તને પામી છું, એટલે તું કીયા ગોત્રનો તે જાણતી નથી; મારૂં નામ જબાલા છે, તારૂં નામ સત્યકામ છે. માટે ભગવાન્! હું સત્યકામ જાબાલ છું.'

ગુરુએ પ્રસન્ન થઈ કહ્યું 'બ્રાહ્મણ ન હોય તે આવું (સ્પષ્ટ અને સત્ય) વદી શકે નહિ. હે સોમ્ય! તું સમિત્ ભેગી કર, તને ઉપદેશ દેઈશું, સત્યથી કદાપિ ચલીશ નહિ.'

આ પ્રકારે તેનું ઉપનયન કરી અતિકૃશ અને દુર્બલ એવી ચારસો ગાયો બતાવી કહ્યું 'સોમ્ય! આમની પાછળ જવું, અને એક સહસ્ત્ર ન થાય ત્યાં સુધી પાછા ન આવવું.'

સત્યકામ તેમને લેઇ તે સહસ્ત્ર થઇ તેટલાં વર્ષ પ્રવાસી રહ્યો.

પછી એને ઋષભે કહ્યું ‘સત્યકામ!'