પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અભ્યાસ

અંશે જે સમયે પ્રાપ્ત કરી હોય તેનું તેટલે અંશે ભવિષ્યમાં વધારે ઉપયોગીપણું સિદ્ધ થવાનુંજ. આ નિયમ અબાધ છે; અને અભ્યાસનું તત્વ એજ ઠરે છે કે એકાગ્રતા, એકતા પ્રાપ્ત કરવી.

જે વિષય હાથમાં લીધો, જે પદાર્થ જોવામાં આવ્યો, જે વાત સાંભળવામાં આવી, તેની સાથે કેવલ એકતા પામી જવી, તે રૂપ થઈ જવું, એટલે તે વાતનું તત્ત્વ તુરત હાથમાં આવશે, અભ્યાસ પૂર્ણ થયો કહેવાશે, એવા અભ્યાસથી કાંઈક ચમત્કાર ઉપજાવી શકાશે. અભ્યાસ શબ્દનો અર્થજ એ છે કે “પુનઃ પુનઃ થવું,” ને જે વાત પુનઃ પુનઃ થાય તેનો સંસ્કાર મનને બેસે, એટલે તેનો પરિપાક ત્યારેજ કહેવાય કે જ્યારે એ સંસ્કાર કેવલ તન્મય (જે સંસ્કાર ઉપજાવનાર વિષય તે રૂ૫) થઈ જાય. એનેજ ભાવના કહે છે. પણ આમ તો અતિપ્રસંગ આવશે, જે જે જોવું, જાણવું, સાંભળવું તે સાથે તદ્રુપતા પામવી એ ભાવનાથી તો માણસ કાંઈ પણ કરી શકશે નહિ, ગાંડાની પેઠે અત્ર તત્ર તણાતું મૂર્ખ થઈ રહેશે આમ ધારવાનું કારણ નથી. એવી તદ્રુપતા થવી તે કાંઈ સહજ નથી, અને તે નથી થઈ શકતી માટેજ એટલી મોંઘી છે એમ કહીએ તોએ બાધ નથી. જે પરમજ્ઞાનમાં ઉન્મત્ત થઈ જાય છે તે તો એવાજ હોય છે; જે જુએ, સાંભળે, સ્પર્શે, તેમાંજ પોતાને અને પોતાને તેમાં દેખે છે, તેમને તો પદાર્થમાત્ર એક દર્પણરૂપ છે, જેમાં પોતે પોતાનેજ બધે જુવે છે, ને તેથી તે ગાંડા જેવાજ જણાય છે. આવી શક્તિ સર્વમાં નથી, ને તેવી શક્તિ આણવા માટે તો આખા વ્યવહારની ને જે જે પ્રકારના વિવિધ અભ્યાસ કહેવાય છે તેની પ્રવૃત્તિ છે, એટલે એ શક્તિનો પરિપાક તેતો અભ્યાસમાત્રનું, આખા વ્યવહારનું, ફૂલ છે. તે વ્યવહારમાં જે જે વાત ઈષ્ટ છે તેની ચઢતા ઉતરતી વ્યવસ્થા પણ એ છેવટની તન્મયતાના હીસાબથી :થયેલી છે; એટલે જે માણસમાં એ પ્રકારની તન્મયતા પામવાની જેવી શક્તિ હશે તેટલે સુધીજ તે તન્મય થશે, એટલું જ નહિ, પણ જે વિષયો સાર્વત્રિક પ્રસિદ્ધિથી તુચ્છ ગણાઈ ચુકયા છે, તે સાથે તન્મયતા પામવાનો પ્રયાસ પણ કોઈ નહિ કરે. આમ હોવાથી જનપ્રવૃત્તિમાં બાધ આવશે એ શંકાનું કાંઈ બલ નથી; અને તન્મય થવાની શક્તિ તેજ અભ્યાસનું તત્ત્વ છે, અભ્યાસનું ફલ છે, એમ આપણે સ્વીકારવાનું રહે છે.

આપણે જાણીએ છીએ કે પદાર્થાદિનું આપણને જ્ઞાન થાય છે તે પદાર્થરૂપજ આપણે કાંઈ થઈ જતા નથી. ત્યારે અભ્યાસ એટલે તન્મય થવું, અર્થાત્ પથરો જોવાય, વિચારાય તો તે રૂપ થવું, કે કદાપિ તેને તુચ્છ વિષયમાં ગણી, એક સારો ગણિતનો વિષય લો તો તેમાં પણ ગણિતના આંકડામય થવું, એ અર્થ બંધ બેસસે નહિ, કેમકે અનુભવથી વિરુદ્ધ છે. પણ આવે બધે ઠેકાણે જયાં વ્યાવહારિક જ્ઞાનનો અભ્યાસ છે ત્યાં તન્મયતાનો લાક્ષણિક અર્થજ જાણવો. તન્મય થવું એટલે તન્મય જેવા થવું એમજ સમજવું, અને એવા શાલા પાઠશાલા આદિ અભ્યાસમાં અભ્યાસનો અર્થ તન્મય જેવા થવું એમ કરવો. પણ એમ અર્થ ન કરીએ તો વધારે સારુ તત્ત્વ સમજાય એમ છે. તન્મય થવું એનો લાક્ષણિક અર્થ ન કરવો. પથરા સાથે તન્મય થવું એનો અર્થ શું છે તે વિચારો. એ પથરો શાથી પથરો છે ? “ પથરો ” એ શબ્દનો ઉચ્ચાર થતાંજ, કેવી ભાવના મનમાં આવે છે ? કેવાં કાર્ય કારણોની ભાવનાના સૂત્રને છેડે એ પથરાની ભાવના લટકતી લાગે છે ? એ પથરાના જોનારના જ્ઞાનમાં એ ભાવનાનું શું અનુસંધાન થાય છે ? એના પોતાના જ્ઞાનપ્રદેશમાંથી કીયા અંશ પથરો