પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ ૧૧ મું બુદ્ધિનો વિકાસ.

જ્ઞાનની અનેક શાખાઓમાં નરેન્દ્રનું મન પરોવાયેલું હતું. કોલેજનો અભ્યાસ તો તે કરતો જ હતો, પણ તેની સાથે બીજા ઘણા વિષયામાં પારંગત થવાની તે ઈચ્છા રાખતો હતો. ગણિતશાસ્ત્ર અને ખગોળવિદ્યામાં તે ઘણો આગળ વધ્યો. સંસ્કૃત તેને બાલ્યાવસ્થાથી જ પ્રિય હતું. બાર વર્ષની ઉમ્મરે તે સંસ્કૃત વ્યાકરણ શિખ્યો હતો અને સત્તર વરસની વયે તો સંસ્કૃતમાં શ્લોક બનાવવા લાગ્યો ! પોતાની બંગાળી ભાષાને પણ તેણે એટલી બધી કેળવવા માંડી કે આગળ જતાં બંગાળી લેખક તરીકે તે ઉચ્ચ પદ્વી પ્રાપ્ત કરી રહ્યો.

નરેન્દ્રની સ્મરણશક્તિ અલૌકિક હતી. તેની માતા તરફથી વારસામાં તેને તે મળી હતી. વિશ્વનાથના એકાએક મૃત્યુએ જન્મ અને મરણનાં ગુહ્ય સત્ય તરફ તેના મનને ખેંચ્યું હતું. યુવાન નરેન્દ્ર હવે ખરેખરો હિંદુ બની રહ્યો, એટલું જ નહિ પણ હિંદુત્વને માટે આગ્રહી બન્યો. હિંદુ તત્ત્વજ્ઞાનનાં પુસ્તકો હવે તેણે વાંચવા માંડ્યાં. તેમના ઉપર લખાયેલી ટીકાઓ હિંદુ વિચાર પ્રમાણે સંપૂર્ણ હતી, પણ પાશ્ચાત્ય શિક્ષણથી કેળવાયેલા વિદ્યાર્થિને મન તે અનુકુળ થઈ નહિ. આથી કોલેજમાં તેણે તત્વજ્ઞાનનો વિષય પસંદ કર્યો અને પાશ્ચાત્ય તત્વવેત્તાઓના સિદ્ધાંતો જાણવાનો પ્રયાસ કર્યો. હર્બર્ટ સ્પેન્સરના સિદ્ધાતમાં તેને રસ પડ્યો. તેના અધ્યયનથી તેની મનનશક્તિ, તર્ક અને બુદ્ધિ ખૂબ વિકાસ પામ્યાં. સાથે સાથે કેન્ટ, શોપનહોર, મિલ અને કાંટનો અભ્યાસ પણ શરૂ કર્યો. એરીસ્ટોટલ પણ વંચાયો. એ સર્વ સાથે ઉપનિષદોનો અભ્યાસ પણ તેણે જારી રાખ્યો હતો. પાશ્ચાત્ય સિદ્ધાંતોની કસોટીથી ઉપનિષદનાં સત્યને તે તપાસતો રહેતો. લાંબા અધ્યયન અને મનન પછી તેને પાશ્ચાત્ય