પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧
બુદ્ધિનો વિકાસ.

 સામર્થ્યનું ભાન તેણે સર્વને કરાવ્યું હતું.

યુવાવસ્થામાં મનુષ્યોને કવિતા ઘણી પ્રિય હોય છે, કારણ કે કવિતા યુવાનોની દૃષ્ટિ આગળ અનેક આદર્શ રજુ કરે છે. મનુષ્ય પોતાના જીવનમાં કોઈપણ આદર્શને અનુસરે છે. યુવાવસ્થામાં મન નિર્મળ હોય છે અને તેમાં નવી સૃષ્ટિની કલ્પનાઓ ઉપન્ન થાય છે. દુનિયામાં આમ કરવું અને તેમ કરવું એ ઉત્સાહ જુવાનના મનમાં રહે છે. તેના મનમાં અનેક ઉચ્ચ તરંગો ઉઠે છે, અનેક ઉચ્ચ આશાઓ કલ્પાય છે અને અનેક ઉચ્ચ ભાવનાઓ બંધાય છે. આ ભાવનાઓ, આશાઓ અને આદર્શોનો જીવંત ચિતાર કવિતા પુરો પાડે છે અને યુવાનના અકલુષિત હૃદયને તે અત્યંત આકર્ષે છે. નરેન્દ્રનું દૃઢ માનવું હતું કે કવિતા આવા આશયો, ભાવનાઓ અને આદર્શોનો ભવ્ય અને જીવંત ચિતાર આપે છે. આવા કોઈપણ આદર્શોનું ભાન મનુષ્ય જીંદગીનો મુખ્ય પાયો છે એમ તે ધારતો, ઈતિહાસ, તત્ત્વજ્ઞાન, કવિતા કે રસાયણશાસ્ત્ર ગમે તે વિષયમાં અમુક આદર્શ રહેલો છે. તે સઘળાં અમુક આદર્શનાં પ્રતિબિંબો છે એમ તે માનતો; અને એ માન્યતાને અનુસરીનેજ તેનો અભ્યાસ કરતો. ઉચ્ચ પ્રતિભાવાળી અને ઉચ્ચ પ્રદેશમાં ઉડનારી કવિતાઓ તે કંઠે કરતો.

વિશ્વનો સામાન્ય નિયમ એવો છે કે કૌમાર અવસ્થામાં બંધાયલા વિચારો અને ભાવનાઓ યુવાવસ્થામાં જેવાં ને તેવાં રહી શકતાં નથી. પાશ્ચાત્ય કેળવણીના સંસ્કારોથી, પાદરીઓના પ્રયાસથી અને ધાર્મિક શિક્ષણના અભાવથી હિંદુ વિદ્યાર્થીઓના મનમાં પ્રાચીન ભાવનાઓ તરફ અભાવ ઉત્પન્ન થાય છે; અને તેમના મનમાં જુના અને નવા અનેક વિચારો વચ્ચે તુમુલ યુદ્ધ મચી રહે છે. ઐહિક સુખનાજ વિચારમાં જન્મેલા અને ઉછરેલા યુવકને આ અવસ્થા આવે તોપણ તે મનમાંને મનમાંજ શાંત થઈ જાય છે