પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


પરંતુ સંસ્કારી જીવો તો સત્યને ગમે તેટલા પ્રયાસે શોધી કહાડે છે ત્યારે જ જંપે છે. આગળ જતાં એવા મનુષ્યોજ જગતમાં નવિન અને પરિસ્થિતિઓને રચી શકે છે અથવા વિકૃત ભાગને કહાડી નાખી જુના પાયા ઉપર નવીન ઇમારતો ચણીને જગતને ઉન્નતિના માર્ગે દોરી જાય છે. ધન્ય છે એવા મનુષ્યોને કે જેમનું મન સત્ય શોધક બની હજારો તર્ક વિતર્ક કરે છે ! આવી સ્થિતિ ઉત્તમ મનુષ્યના જીવનમાં આવશ્યકજ છે. આગળ ચાલતાં જેમ જેમ નરેન્દ્ર પાશ્ચાત્ય તત્વજ્ઞાનના અભ્યાસમાં ઉંડો ઉતરતો ગયો તેમ તેમ તેની ધાર્મિક ભાવનાઓ અને કૌમારાવસ્થાની શ્રદ્ધા શિથિલ થવા માંડી. સ્પેન્સરના વિચારોએ પ્રાચીન દંતકથાઓ તરફ તેને શંકાશીલ બનાવ્યો અને જે ભાવનાઓમાં તે ઉછર્યો હતો તે સધળી ડગમગવા લાગી. તેના મનમાં તુમુલ યુદ્ધ મચી રહ્યું; તેના મનમાં દુ:ખ થવા લાગ્યું. તેનું કુટુંબ જે ધાર્મિક અને સામાજીક નિયમો પાળી રહ્યું હતું તેથી તદ્દન વિરૂદ્ધ હવે તેનું વર્તન થવા લાગ્યું ! ટુંકામાં તે નાસ્તિકજ બની રહ્યો. પરંતુ સદ્ભાગ્યે માતા પિતા તરફના અને પૂર્વજન્મના અનેક શુભ સંસ્કારોએ નરેન્દ્રના હૃદયમાં વાસ કરેલ હતો. સત્ય શોધવાની ઉત્કટ ઇચ્છા અને આર્ય સાધુતાના ગૌરવનું ભાન તેનામાં જન્મસિદ્ધ હતાં. પાશ્ચાત્ય વિદ્યાએ તેની એ વૃત્તિઓને દબાવી અસ્તવ્યસ્ત કરી ખરી, પણ તેનાં ઉંડાં મૂળ તેનાથી ઉખેડી શકાયાં નહિ. એક કમાન જેમ દબાય તેમ તે દબાઈ, પણ જેમ કમાન પાછી વધારે જોર કરીને પોતાની મૂળ સ્થિતિએ આવી જાય છે તેમ તેની ધાર્મિકતા વધારે જોરથી બહાર નીકળી આવી. અનેક પ્રકારની માનસિક ગડમથલ પછી ‘ઇશ્વર હોયતો તેને અવષ્ય ખોળવો’ એવો વિચાર તેના મનમાં દૃઢ થયો. નાસ્તિકપણું એ એક જાતની બુદ્ધિની જડતા, અનિશ્ચિતતા, માનસિક શક્તિઓનો અપૂર્ણ વિકાસ, પરાજય,