પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


વિશ્વનાથનું મૃત્યુ થયું. વિશ્વનાથનો સ્વભાવ બહુ ઉદાર અને ખર્ચાળુ હતો અને તેમનું મરણ અણધાર્યું થયું તેથી તેમની પાછળ કુટુંબના નિર્વાહ પુરતો પૈસો રહ્યો નહિ. તેમના અચાનક મૃત્યુથી કુટુંબમાં કોઈ કમાનાર રહ્યું નહિ, અને અત્યાર સુધી વૈભવમાં ઉછરેલા કુટુંબને હવે દ્રવ્યની તંગી પડવા લાગી. ઘરમાં સૌ શોકાતુર બની રહ્યું. સૌ નરેન્દ્ર સામું જોવા લાગ્યું, કારણ કે તેજ સૌ છોકરામાં મોટો હતો. નરેન્દ્રે સૌને દિલાસો આપ્યો. કુટુંબના નિર્વાહનો ભાર એકાએક હવે તેને માથે પડ્યો. પણ અત્યારે તેની લાયકાત શી ! ક્યાં વિશ્વનાથની કમાણી અને ક્યાં કુટુંબનો ગંજાવર ખર્ચ ! નરેન્દ્ર બી. એ. થયો હતો, પણ હજી તે ન્હાનો હતો. કમાઈ કમાઈને તે કેટલું કમાય ! અત્યારે તેની લાયકાત કુટુંબને માત્ર એક વખત સાદું ભોજન આપી શકે એટલીજ હતી. તેને બે ભાઈઓ અને બે બ્હેનો હતી, સર્વ ન્હાનાં હતાં. વિશ્વનાથની કમાણીનો પૈસો થોડાક દિવસ તો ચાલ્યો પણ પછી કુટુંબને ઘણીજ હાડમારી વેઠવી પડી. આ વખતે નરેન્દ્ર એલ. એલ. બી. નો અભ્યાસ કરતો હતો. એક વખત જે ઘોડા ગાડીમાં બેશીને કોલેજમાં જતો હતો તે હવે પગે ચાલીને જવા લાગ્યો ! એક વખત જે પોતાના પગે કિંમતી જોડા પહેરતો હતો તેને હવે ઉઘાડા પગે જવાનો પ્રસંગ આવ્યો ! બારીક અને કિંમતીને બદલે હવે સાદાં અને જાડાં કપડાં તેને શરીરે ધારણ કરવાં પડ્યાં ! ઘરનાં માણસોને ખાવામાં તંગી પડશે, એમ ધારી તે ઘણી વખત ભુખ્યોને ભુખ્યોજ કોલેજમાં જતો ! ઘણી વખત તેના મિત્રો તેને પોતાને ઘેર બોલાવતા અને તેની આ દશા જાણીને તેને કંઇ કંઈ ખવરાવતા, પણ પોતાના મિત્રોને ઘેર જમતી વખતે તેને પોતાના કુટુંબની હાડમારીનો વિચાર આવ્યા વગર રહેતો નહિ. તેનું હૈયું ભરાઈ આવતું, અને તે કંઈક બ્હાનુ કહાડીને જમ્યા વગરજ