પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૯
શ્રીરામકૃષ્ણ પરમહંસ.


સેંકડો સાધુ સંતો આવી રહેતા અને ભજન તથા ભોજન કરતા. છેક પાસેજ રાણી રાસમણીનો બંગલો છે. મંદિરની આસપાસ વૃક્ષોની ઘટાઓ આવી રહેલી છે. આ ઘટાઓમાં ઘણા સાધુઓએ યોગ સાધેલો હોવાની દંતકથાઓ પ્રચલિત છે. દક્ષિણેશ્વર, કાળીમાતાનું ભવ્ય મંદિર, કાળીવાટિકા અને તેની આસપાસ આવેલી વૃક્ષોની ઘટાઓ, ધાર્મિકતા, સાધુતા અને પવિત્રતાના વાતાવરણથી ભરપુર થઈ રહેલાં છે. શ્રીરામકૃષ્ણના નામ સાથે જોડાઈને આ સર્વ સ્થળો હાલમાં વધારે પ્રખ્યાત થઈ રહ્યાં છે.

દક્ષિણેશ્વરના બાગમાં પંચવટી નામની એક વૃક્ષોની ઘટા છે. તેની છાયા નીચે બેસીને શ્રી રામકૃષ્ણ યોગ સાધતા. પાસે એક બીલીનું ઝાડ છે. મહાદેવને જેનાં પત્ર અત્યંત પ્રિય છે એવા આ ઝાડની નીચે તેના મૂળ આગળ યોગ સાધવાનું એક બીજું સ્થાન તે સંન્યાસીએ નક્કી કર્યું હતું. સર્વ ઇંદ્રિયોનું દમન કરીને તે આ સ્થળમાં બેઠેલા હતા. ખરેખરા મુમુક્ષુની માફક તેમનું અંતઃકરણ સત્યની શોધને માટે અહર્નિશ મથતું હતું અને સંસારની સર્વ વાસનાનો તેમણે ત્યાગ કર્યો હતો. આત્મજ્યોતિમાં તે લીન થઈ રહ્યા હતા અને આત્મામાં આત્માથીજ સંતુષ્ટ હતા. આત્મદર્શનથી ઉદ્ભવેલી ભવ્યતા તેના મુખ ઉપર તરવર્યા કરતી હતી, આત્માના તેજથી તેમનું શરીર છવાઈ રહેતું હતું. આત્માનો જ અભ્યાસ અને આત્માનું જ ધ્યાન કરીને પોતાના આત્માને અંતરાત્મામાં શમાવી દઈને થોડા સમયમાં अहंब्रह्मास्मि એ પદને તેઓ પહોંચી ગયા હતા. સર્વ દેવતાઓ જુદા જુદા મનુષ્યોએ પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે માની લીધેલાં એકજ પરબ્રહ્મનાં સ્વરૂપ અને શક્તિઓ હોઈને મનુષ્યોને ધર્મિષ્ઠ બનાવવામાં તે સાધનરૂપ થાય છે અને મનુષ્ય જેવા સ્વરૂપમાં ભગવાનને ભજે છે તેવા સ્વરૂપમાં ઈશ્વર તેની આગળ પ્રત્યક્ષ થાય