પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૩
શ્રીરામકૃષ્ણનો સમાગમ.


શ્રી રામકૃષ્ણે તેના તરફ બહુજ આનંદથી જોયું અને જવાબ આપ્યો.

“હા, મેં ઈશ્વરને જોયો છે. જેવી રીતે હું તને મારી આગળ જોઉં છું, તેમજ હું ઇશ્વરને જોઉં છું. ફેર માત્ર એટલોજ છે કે ઈશ્વરનું અસ્તિત્વ અનંત અને તત્ત્વમય છે. તારી મરજી હશે તો હું તને તેના દર્શન કરાવી શકીશ.”

આ શું ! આ શું ! ઈશ્વરને જોયો હોય એવો માણસ અહીંઆં છે ! તેના શબ્દો નરેન્દ્રના હૃદયમાં સચોટ લાગ્યા. તેના અંતઃકરણમાં તે ઉંડા પેશીને અથડાવા લાગ્યા. નરેન્દ્રના અંતરાત્મામાં તે અગાધ અને અવિકારી સત્યની લાલસા જગાવી રહ્યા. નરેન્દ્ર ઘણોજ ખુશી થઈ ગયો. તેનો આનંદ ! ઈશ્વરને જેણે જોયો છે એવા મહાત્માના દર્શનથી થતો આનંદ ! નરેન્દ્રને ઘણુંજ આશ્ચર્ય લાગ્યું. જાણે કે કોઈ નવીનજ પ્રદેશમાં તે વિચરતો હોય તેમ તેને લાગ્યું. સત્ય રૂ૫ની શોધમાં મહિનાના મહિના વીતી ગયા હતા અને તે નહિ જડવાથી અનેક મહિનાઓ સુધી માનસિક વ્યથાઓ ભોગવવી પડી હતી, તેનો હવે અંત આવ્યો. નરેન્દ્રને પોતાની આધ્યાત્મિક તૃષા મટાડવાનું સ્થાન હવે મળી આવ્યું.

શ્રીરામકૃષ્ણની સાથે નરેન્દ્રનો આ સૌથી પહેલો મેળાપ જાણે કે કોઈ જાણીતો પુરૂષ ઘણે દિવસે મળતો હોય તેના જેવોજ હતો. નરેન્દ્રને જોઇને શ્રીરામકૃષ્ણ પણ સાનંદાશ્ચર્ય પામ્યા અને નરેન્દ્રને જાણે ઘણા દિવસથી ઓળખતા હોય તેમ શ્રી રામકૃષ્ણ તેની સાથે વાતો કરવા લાગ્યા. નરેન્દ્ર પણ જાણે કે તેમના તરફ આકર્ષાતો હોય તેમ તેને લાગ્યું.

શ્રી રામકૃષ્ણ હર્ષમાં કેમ આવી ગયા તે નરેન્દ્ર સમજી શક્યો નહોતો.